શહેરના કોઠારીયા રોડ પર ઓમ રેસિડેન્સીમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધું હોય જે અંગે મૃતકના ભાઈની ફરિયાદ કરતી આજીડેમ પોલીસે બંને સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મૂળ ચોટીલાના ચિરોડા ગામના વતની અને હાલ રાજકોટમાં નવા 150 ફૂટ રીંગ રોડ પર અટલ સરોવરની સામે ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં રહેતા અનિલભાઈ રતાભાઇ ચૌહાણ (ઉ.વ. 20) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી રાજદીપ રતિલાલ જતાપરા અને બહેનના સાસુ ભાનુબેન (રહે. બંને ઓમ રેસિડેન્સી, બીલીપત્ર પાર્ટી પ્લોટની સામે, કોઠારીયા રોડ, રાજકોટ) વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા અંગે ફરિયાદ નોંધાવી છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ચાર બહેન એક ભાઈનો પરિવાર છે. જેમાં નાની બહેન ગુડ્ડીના લગ્ન તા. 4/3/2024 ના રાજદીપ જતાપરા સાથે થયા હતા. ગત તા. 3/9/2025 ના સવારના 9:30 વાગ્યા આસપાસ બનેવી રાજદીપનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી બહેન રૂમનો દરવાજો ખોલતા નથી તમે તેને ફોન કરી કહો કે રૂમનો દરવાજો ખોલે. જેથી ફરિયાદીએ બહેનને ફોન કર્યો હતો પરંતુ તે ફોન ઉપાડતા ન હોય બાદમાં દરવાજો તોડી નાખ્યો હતો અને જાણ થઈ હતી કે ગુડ્ડીબેને ઝેરી દવા પી લીધી છે. બાદમાં 108 ને જાણ કરતા તેમણે અહીં આવી જોઈ તપાસી પરિણીતાને મૃત જાહેર કર્યા હતા.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના બહેન ગુડ્ડી બેનને લગ્ન થયા બાદ થોડો સમય પછી જ સાસુ ભાનુબેન જતાપરા ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારતા હતા અને તેને એક જ રૂમમાં પૂરીને રાખતા હતા, સમયસર જમવાનું પણ આપતા ન હતા. ઉપરાંત પતિ રાજદીપને કોઈ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોય અને આ બાબતે પત્ની તેને કંઈ પણ કહે તો તેના પર ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરતો હતો. આમ પતિ અને સાસુ શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જે બાબતની જાણ તેણે માવતરે માતા-પિતાને અવારનવાર કરી હતી પરંતુ ઘરના સભ્યો તેને સમજાવીને મોકલી દેતા હતા. અંતે ગુડ્ડીબેનથી આ ત્રાસ સહન ન થતાં તેમણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે પરિણીતાના પતિ-સાસુ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.