ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીનું હવાઈ હુમલામાં મોત થયું છે. જેની પુષ્ટી ઇરાની સૈન્યએ આપી છે. હવે તેમના પુત્ર, મોજતબા ખામેની, દેશના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા છે. રાજ્ય મીડિયા અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ તેહરાનમાં થયેલા હવાઈ હુમલામાં અલી ખામેનીના કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 86 વર્ષીય ખામેનીનું મૃત્યુ થયું હતું. સરકારે જણાવ્યું છે કે આ હુમલો ખાસ કરીને સરકારી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ યુદ્ધમાં અત્યારસુધીમાં 118 ઇરાની વિદ્યાર્થીઓના મોત થયા છે.
આ ઘટના બાદ, ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, સાથે સાત દિવસની જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે. દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, મુખ્ય શહેરો અને સરકારી ઇમારતોની બહાર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મોજતબા ખામેની કોણ છે?
મોજતબા ખામેનીનો જન્મ 1969 માં મશહદ શહેરમાં થયો હતો. તેમણે ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. ઈરાન-ઈરાક યુદ્ધના અંતિમ તબક્કા દરમિયાન તેમણે રિવોલ્યુશનરી ગાર્ડમાં પણ સેવા આપી હતી. તેમને લાંબા સમયથી તેમના પિતાના નજીકના માનવામાં આવતા હતા. કહેવાય છે કે તેમણે પડદા પાછળ ઘણા મોટા નિર્ણયોમાં ભૂમિકા ભજવી હતી.
જોકે તેમણે ક્યારેય કોઈ મોટું સરકારી પદ સંભાળ્યું ન હતું, તેઓ તેમના પિતાના વિશ્વાસુ સલાહકાર હતા. તેમના લશ્કરી અને અર્ધલશ્કરી દળો સાથે સારા સંબંધો હોવાનું કહેવાય છે.
મોજતબા ખામેની 2009માં ચર્ચામાં આવ્યા હતા
2009 ના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું નામ પણ સામે આવ્યું હતું. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે તેમણે પ્રદર્શનોના કઠોર દમનમાં ભૂમિકા ભજવી હતી.
હવે, સર્વોચ્ચ નેતા તરીકે તેમની બઢતીએ દેશમાં એક નવી રાજકીય ચર્ચા જગાવી છે. 1979ની ક્રાંતિ દરમિયાન, વંશાવળીના આધારે સત્તાના હસ્તાંતરણનો વિરોધ થયો હતો. તેથી, કેટલાક તેમની પસંદગી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
હાલ માટે, મોજતબા ખામેનીને તેમના લશ્કરી સમર્થનને કારણે એક મજબૂત નેતા માનવામાં આવે છે. આવનારા દિવસોમાં તેમના નેતૃત્વ દેશને કઈ દિશામાં લઈ જશે તે સ્પષ્ટ થશે.