ગિરનાર પર્વત ઉપર 7.4 અને અમરેલીમાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન ડબલ ફિગરમાં રહેવા પામ્યું છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગઈકાલે રવિવારે સમગ્ર રાજ્યમાં એક માત્ર દમણ ખાતે 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન હતું તે સિવાય સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી નીચે રહેવા પામ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ગઈકાલે સાંજે આકાશમાં અપર લેવલે વાદળો જોવા મળ્યા હતા. સાથો સાથ ભેજનું પ્રમાણ પણ એકાએક વધી ગયું છે. રાજકોટમાં 96, સુરતમાં 98, દીવમાં 91% ભેજ આજે સવારે નોંધાયો હતો અને તેના કારણે આજે પણ ઝાકળ વર્ષા થઈ હતી.
રાજ્યના અન્ય તમામ શહેરોમાં લઘુતમ તાપમાન ડબલ ફિગરમા છે .ભાવનગરમાં 16.6, ભુજમાં 15.6, કંડલામાં 15.5, નલિયામાં 11.2, ઓખામાં 19.5, પોરબંદરમાં 12.8, રાજકોટમાં 13, વેરાવળમાં 16.4, જૂનાગઢમાં 12.4, ભવનાથ તળેટીમાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન આજે નોંધાયું છે.
રાજ્યના અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 14.1, બરોડામાં 14.8, ડીસામાં 12.3, ગાંધીનગરમાં 13.5, સુરતમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.