રાજકોટ શહેરના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશમાં દુઃખદ નિધન થતા તેમની આ અણધારી વિદાયથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમગ્ર સ્ટાફ ગંભીર બની ગયો છે, રાજકોટ મહાનગરપાલિકાથી જ રાજકીય કારકિર્દીનો પ્રારંભ કરનાર વિજયભાઈ રૂપાણીનો બે દાયકા સુધી રાજકોટ મહાનગરપાલિકા સાથે યાદગાર નાતો રહ્યો હતો તેના સંભારણા વાગોળીને આજે સ્ટાફ ગમગીન બની ગયો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી કે જ્યાં આગળ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ બેસે છે તેમજ અરજદારોની સતત અવરજવર જોવા મળતી હોય છે પરંતુ ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અભૂતપૂર્વ અંતિમયાત્રા નીકળ્યા બાદ આજે સવારથી કોર્પોરેશન કચેરીમાં પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, પેટા કમિટિઓના ચેરમેન તેમજ શાસક પક્ષ કાર્યાલયમાં આગેવાનો કે કાર્યકરો પણ નજરે પડ્યા ન હતા. સામાન્ય રીતે કચેરી ખુલતાની સાથે જ ઉમટી પડતા ફરિયાદીઓ તેમજ અરજદારોની પણ આજે ખુબ પાંખી હાજરી જોવા મળી હતી. દરમિયાન આજે બપોરે ત્રણથી છ વાગ્યાથી રેસકોર્સ મેદાન ખાતે વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા રાખવામાં આવી હોય મોટા ભાગનો મ્યુનિસિપલ સ્ટાફ પ્રાર્થના સભામાં હાજરી આપવા પહોંચ્યો હતો.
રાજકોટ મહાપાલિકામાં વિજયભાઇ રૂપાણી બે દાયકા સુધી કોર્પોરેટર, આઠ વર્ષ સ્ટેન્ડિંગ ચેરમેન અને એક ટર્મ મેયર પદે રહ્યા હતા તેની જૂની યાદો વાગોળીને મ્યુનિસિપલ સ્ટાફ ભાવવિભોર બન્યો હતો. સફાઇ કામદાર યુનિયનથી લઇને ઓફિસર્સ એસોસિએશન સહિતના કર્મચારી સંગઠનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિજયભાઇ રૂપાણીના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પદ અને મેયર પદના શાસનકાળ દરમિયાન રાજકોટ-લેસ્ટર ટ્વીન સિટી કરાર, રેસકોર્સમાં ફન વર્લ્ડ સહિતની શહેરીજનોને તેમણે અનેક નવા વિકાસ કામોની ભેટ આપી હતી. જ્યારે મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન તો મોસાળે જમણ અને માં પીરસનારની કહેવતને સાર્થક કરતા રાજકોટ મહાપાલિકાના રાજ્ય સરકાર લેવલે વર્ષોથી પડતર હોય તેવા અનેક પ્રશ્નોનો નિકાલ કર્યો હતો સાથે જ અનેક નવા વિકાસકામોની પણ ભેટ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech