BREAKING NEWS

નેપાળ જળપ્રલયમાં લાપત્તા થયેલા ગુજરાતીની સંખ્યા 26 પર પહોંચી, ગુજરાત સરકારના સંપર્ક કરવાના પ્રયાસો

  • August 28, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળ અને તિબેટ સરહદે આવેલા લાંગતાંગ ક્ષેત્રમાં ગ્લેશિયર ફાટવાની બનેલી દુર્ઘટના અને ત્યારબાદ ભોટેકોશી નદીમાં આવેલા ભીષણ પૂરના કારણે હિમાલય ક્ષેત્રમાં ભારે તબાહી મચી છે. આ કુદરતી આપદાના કારણે કૈલાશ માનસરોવર યાત્રા અને નેપાળ પ્રવાસે ગયેલા યાત્રાળુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતના મૂળ વતની તેમજ વિદેશની નાગરિકતા (એનઆરઆઈ) ધરાવતા કુલ 26 નાગરિકો હાલ ગુમ થતાં તેમના પરિવારજનોમાં ઘેરી ચિંતાની લાગણી છવાઈ ગઈ છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી) દ્વારા આજે જાહેર કરાયેલા સત્તાવાર રિપોર્ટ બાદ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.

સત્તાવાર અહેવાલ મુજબ, અમરેલીના મૂળ વતની અને યુએસ નાગરિક દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ દિલ્હીથી નેપાળ પહોંચ્યા બાદ સંપર્કવિહોણા થયા છે. જાફરાબાદના કામતાપ્રસાદ બાબુલાલ દસ ઓગસ્ટે અયોધ્યાથી નેપાળ ગ્રૂપ સાથે નીકળ્યા બાદ 11 ઓગસ્ટથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. રાજકોટ મૂળના જય દિનેશ કોટેચા રસુવાગઢી-કેરુંગ બોર્ડર નજીક પૂરના કારણે ફસાયેલા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, અમદાવાદના મણિનગરના કિન્નરી પટેલ અને મિહિર પટેલ (રિચા ટૂર્સ) તથા મેમનગરના અશોકભાઈ ધીરજલાલ કાપડી ચાઈના બોર્ડર ઈમિગ્રેશન સેન્ટર નજીકથી છેલ્લો સંપર્ક થયા બાદ સંપર્કવિહોણા છે. ઉસ્માનપુરાના ન્યૂયોર્ક નિવાસી બીના પી. પારેખ અને મોટેરાના ઓસ્ટ્રેલિયન નાગરિક ભાવિનકુમાર આર. રાવલ પણ ગઈકાલથી સંપર્કવિહોણા છે.

આણંદના યુએસ નાગરિક બિમલકુમાર પટેલ અને જયમીનાબેન પટેલ 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ' મારફતે ગયા હતા, જેમનો સવારથી કોઈ પત્તો નથી. કેનેડિયન નાગરિક પદ્માબેન જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ ઉમેશભાઈ પટેલ 'હિમાલયન ગ્લેશિયર એડવેન્ચર' મારફતે યાત્રાએ નીકળ્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી તેમનો સિગ્નલ તૂટી ગયો છે. બાગમતી અને ફ્રેન્ડશિપ બ્રિજ નજીકથી અમિતા અમીન, તેજલ પટેલ અને જિતેન્દ્ર પટેલ (તમામ યુએસ નાગરિક) ગુમ થયા છે. નડિયાદના મૂળ વતની કેનેડિયન નાગરિક ઉમેશ ભોગીલાલ પટેલ, આકાંક્ષાબેન પટેલ તેમજ અમેરિકન નાગરિક ઈશાન પટેલ અને શિલ્પાબેન પટેલ સાથે છેલ્લા 24 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી. યુએસ નાગરિક પરેશભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ અને મુંબઈના મીનાક્ષીબેન રમણીએ રસુવાગઢી બોર્ડરથી ફોટો મોકલ્યા બાદ સંપર્ક ગુમાવ્યો છે.

ભોટેકોશી નદીના પૂરના કારણે કૈલાશ માનસરોવર યાત્રાના મુખ્ય પ્રવેશદ્વાર સમાન રસુવાગઢી-કેરુંગ બોર્ડર તેમજ ફ્રેન્ડશિપ બ્રિજ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ અને રોડ-રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ટેલિકોમ નેટવર્ક ઠપ્પ થઈ જવાથી સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ તમામ ચિંતાજનક વિગતો વચ્ચે વલસાડના હાલારના વતની રોમા દિલીપભાઈ ઇંટવાલા હાલ નેપાળમાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની સત્તાવાર પુષ્ટિ વલસાડ મામલતદાર દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. નેપાળી સુરક્ષાદળો અને હેલિકોપ્ટર રેસ્ક્યૂ ટીમની મદદથી ફસાયેલા યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવા અને નેટવર્ક પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application