BREAKING NEWS

રાજ્યમાં જેન્ડર ચેન્જની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધ્યું

  • March 23, 2026 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જેન્ડર ચેન્જ એટલે કે લિંગ પરિવર્તન કરાવવાના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે. તબીબી ભાષામાં જેને 'જેન્ડર ડિસ્ફોરિયા' કહેવામાં આવે છે, તેવી સ્થિતિમાં વ્યક્તિને અનુભૂતિ થાય છે કે તેનું બાહ્ય શરીર ભલે પુરુષ કે સ્ત્રીનું હોય, પરંતુ તેની આંતરિક ઓળખ કે આત્મા અલગ છે. આ મનોવૈજ્ઞાનિક અને શારીરિક સ્થિતિમાંથી બહાર આવવા માટે હવે અનેક યુવાનો સર્જરીનો સહારો લઈ રહ્યા છે. જેમાં  પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું હોવાનું સામે આવ્યું છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાત વર્ષમાં અંદાજે 50થી વધુ રેફરલ લેટર આપવામાં આવ્યા છે. જેમાં 25 લોકોએ સ્ત્રીમાંથી પુરુષ બનવા, 10 લોકોએ પુરુષમાંથી સ્ત્રી બનવા અને 18 લોકોએ કિન્નર બનવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. સર્જરી પૂર્વે એક વર્ષ સુધી વ્યક્તિએ જે-તે જેન્ડરમાં જીવીને સેટલ થવું પડે છે, ત્યારબાદ જ ફાઈનલ પ્રાઈવેટ પાર્ટ સર્જરી કરવામાં આવે છે.    


ગુજરાતમાં આ ક્ષેત્રે જુલાઈ ૨૦૨૧માં એક ઐતિહાસિક કિસ્સો નોંધાયો હતો. સુરતના સંદિપ પટેલે જેન્ડર ચેન્જ સર્જરી કરાવી અલિશા પટેલ બનવાનું નક્કી કર્યું હતું. તેઓ નવા સરકારી નિયમો મુજબ ટ્રાન્સવુમન તરીકેનું સત્તાવાર પ્રમાણપત્ર મેળવનારા ગુજરાતના સૌપ્રથમ વ્યક્તિ બન્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ પ્રકારની સર્જરી કરાવવાની જિજ્ઞાસા અને હિંમત લોકોમાં વધી છે.


તજજ્ઞોના મતે, બાળકની ઉંમર ૧૨-૧૩ વર્ષની થાય ત્યારે જ ખબર પડી જાય છે કે તે પોતાના કુદરતી શરીરમાં સહજ છે કે નહીં. જેન્ડર ડિસ્ફોરિયા ધરાવતી વ્યક્તિ છુપાઈને વિજાતીય પાત્રના કપડાં પહેરવા લાગે છે અથવા તેના હાવભાવ બદલાવા લાગે છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે આવા સમયે માતા-પિતાએ ડરવાને બદલે બાળકને માનસિક સહકાર આપવો જોઈએ અને તેની લાગણીઓને સમજવી જોઈએ.


તબીબોના જણાવ્યા અનુસાર, પુરુષમાંથી મહિલા બનવાની સર્જરી અંદાજે ત્રણથી સાડા ત્રણ કલાકમાં પૂર્ણ થઈ શકે છે. જોકે, મહિલામાંથી પુરુષ બનવાની પ્રક્રિયા વધુ જટિલ છે અને તે પાંચ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવે છે. જેમાં પહેલા ગર્ભાશય અને ઓવરી દૂર કરવામાં આવે છે, પછી બ્રેસ્ટ સર્જરી કરવામાં આવે છે, બાદમાં ઈન્દ્રિય બનાવવાની પ્રક્રિયા હાથ ધરાય છે.
સામાન્ય રીતે આ સમગ્ર પ્રક્રિયામાં રૂપિયા 10 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે અને સંપૂર્ણ પરિવર્તનમાં એકથી દોઢ વર્ષનો સમય લાગે છે.


જેન્ડર ચેન્જ સર્જરી માત્ર ઈચ્છાથી થઈ શકતી નથી, તેના માટે કડક તબીબી અને કાયદાકીય માર્ગદર્શિકા છે જેમાં સિવિલ હોસ્પિટલમાંથી રેફરલ લેટર મેળવવો અનિવાર્ય છે, મનોચિકિત્સક અરજદારની બે-ત્રણ વાર મુલાકાત લે છે અને સાયકોલોજિકલ ટેસ્ટ દ્વારા ખાતરી કરે છે કે તેને કોઈ માનસિક બીમારી નથી, સર્જરીથી થતી સંભવિત મુશ્કેલીઓ અને પોતાની સ્વેચ્છા અંગે સોગંદનામું કરવું પડે છે અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને આ સર્જરી માટે મંજૂરી આપવામાં આવતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application