BREAKING NEWS

હાઈકોર્ટમાં સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલેઃ ગુજરાત હાઇકોર્ટ

  • January 23, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત હાઈકોર્ટમાં ‘પાર્ટી-ઇન-પર્સન’ તરીકે હાજર રહી પોતાની માતૃભાષા ગુજરાતીમાં દલીલો કરવાની મંજૂરી માંગતી એક પક્ષકારની રિટ અરજીને અદાલતે ફગાવી દીધી છે. આ મામલે જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તમામ ન્યાયિક કાર્યવાહી તેમજ દલીલો માત્ર અંગ્રેજીમાં જ થવી જરૂરી છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ અન્ય કોઈ ભાષામાં રજૂઆત કરવાની પરવાનગી આપી શકાય નહીં, તેવું અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.


આ કેસમાં અરજદારે ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રને પડકાર્યો હતો. કમિટીએ અરજદારને અંગ્રેજી ભાષામાં નબળા હોવાના આધાર પર ‘પાર્ટી-ઇન-પર્સન’ તરીકે દલીલો કરવા અસમર્થ જાહેર કર્યા હતા. આ નિર્ણય સામે અરજદારે રિટ અરજી દાખલ કરી હતી અને દલીલ કરી હતી કે તેમને પોતાની માતૃભાષા ગુજરાતીમાં કેસ રજૂ કરવાની છૂટ આપવામાં આવે.


અરજદાર પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ભારતીય નાગરિક હોવાના નાતે પોતાની ભાષામાં વિચારો વ્યક્ત કરવાનો મૂળભૂત અધિકાર ધરાવે છે. હાઈકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો આગ્રહ રાખવો તેમના અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ન્યાય મેળવવાના અધિકારનું ઉલ્લંઘન છે, તેવી દલીલ પણ કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું હતું કે, પોતાની માતૃભાષામાં રજૂઆત કરવાની પરવાનગી મળે તો તેઓ પોતાનો કેસ વધુ અસરકારક રીતે રજૂ કરી શકે.


બીજી તરફ, હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટીએ પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે અરજદાર માત્ર ધોરણ-10 પાસ છે અને અંગ્રેજી ભાષા સમજવામાં તેમજ તેમાં અસરકારક રીતે દલીલો કરવામાં સક્ષમ નથી. કમિટીના મતે, કેસની જટિલ હકીકતો અને કાયદાકીય મુદ્દાઓને અંગ્રેજીમાં રજૂ કરવાની ક્ષમતા અરજદાર પાસે ન હોવાથી તેઓ અદાલતને યોગ્ય રીતે સહાય આપી શકે તેમ નથી.


અરજદારની રિટ અરજી ફગાવતા હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે લીગલ સર્વિસ કમિટી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રમાં કોઈ કાયદાકીય ખામી દેખાતી નથી. અદાલતે પોતાના ચુકાદામાં વર્ષ 2015ના ‘મનીષ કનૈયાલાલ ગુપ્તા વિરુદ્ધ ગુજરાત રાજ્ય’ કેસનો સંદર્ભ આપ્યો હતો, જેમાં સ્પષ્ટપણે ઠરાવાયું છે કે ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તમામ રજૂઆતો અંગ્રેજીમાં જ થવી જોઈએ.

જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ વધુમાં નોંધ્યું હતું કે, અરજદારને જો અદાલતી કાર્યવાહી સમજવા માટે પણ દુભાષિયાની જરૂર પડે તો તેઓ જાતે દલીલો કરવા સક્ષમ ગણાઈ શકે નહીં. હાઈકોર્ટ દ્વારા અરજદારને પહેલેથી જ લીગલ સર્વિસ કમિટી મારફતે વકીલ ફાળવવામાં આવ્યા છે, જે તેમના વતી અસરકારક રીતે દલીલો કરી શકે છે. અંતે, અરજીમાં કોઈ કાયદાકીય મેરિટ ન જણાતાં અદાલતે રિટ અરજી ફગાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application