BREAKING NEWS

જુના પુરાણા મહેસુલી કાયદામાં સુધારો કરાશે

  • December 29, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા મહેસુલી કાયદામાં સમયાંતરે સુધારા કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ છે રાજ્યના મોટાભાગના મહેસુલી કાયદાઓ આઝાદી કાળ પૂર્વેના છે તેમાં કાયદાની જટીલ જોગવાઇઓ, અર્થઘટનમાં વિસંગતતા વગેરેના કારણે તેમજ બદલાયેલા સમયને અનુરુપ જોગવાઇઓ ન હોય તો કાયદા અપ્રસ્તુત બની જાય છે. પરિણામે કોર્ટમાં કેસોનો ભરાવો ઉપરાંત, શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સનું કમ્પ્યુટરાઇઝેશન અને તેનું સંચાલન તેમજ ઝડપી આર્થિક વિકાસ જેવા પરિબળોના કારણે હાલના કાયદાઓની સમીક્ષા કરીને તેમાં સુધારા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. તે જ રીતે આ કાયદાની જોગવાઇઓને અનુરુપ બનાવેલા નિયમો, ઠરાવો વગેરેની પણ સમયાંતરે સમીક્ષા કરીને તેમાં સુધારા વધારા કરવાની આવશ્યકતા જણાય છે.

આ અન્વયે ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ'ના સિદ્ધાંતને ચરિતાર્થ કરવા માટે હાલના મહેસૂલી કાયદાઓનો અને તેને સંલગ્ન નિયમો, ઠરાવો વગેરેનો અભ્યાસ કરીને તેમાં જરુરી આનુષંગિક સુધારા કરવા, તેનું સરળીકરણ કરવું કે જુના કાયદા અને નિયમો / ઠરાવો રદ કરવા વગેરે જેવી કામગીરી માટે નિષ્ણાત અધિકારીઓની એક સમિતિ બનાવવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા પુખ્ત વિચારણાના અંતે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯માં સુધારા-વધારા કરવાની અને તેને સંલગ્ન અલગ અલગ નિયમો, ઠરાવો અને સુચનાઓમાં સુધારા કરવાની તેમજ આ આવશ્યક જણાય તો તેને રદ કરવાની કામગીરી માટે નિષ્ણાત અધિકારીઓની સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે.

જેના અધ્યક્ષ નિવૃત્ત સનદી અધિકારી સી. એલ. મીના, એમ. બી. પરમાર, નિવૃત્ત આઇ.એ.એસ. અનીસ માંકડ ,પ્રોજેક્ટ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જે આગામી 6 મહિનામાં સરકારને અહેવાલ સુપ્રત કરશે.

આ સમિતિ દ્વારા રાજ્યના જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ તેમજ તેને લગતા નિયમો, ઠરાવો વગેરેનો અભ્યાસ કરીને ઉપર આમુખમાં દર્શાવેલ બાબતો અને ઉદ્દેશો ધ્યાને લઈને આ કાયદામાં જે સુધારા કરવા અનિવાર્ય જણાય તે સુધારા કરવાને લગતી કામગીરી કરવામાં આવશે. આ કાયદાને સંલગ્ન વિભાગના નિયમો, ઠરાવો, મેન્યુઅલ્સ વગેરેનો પણ અભ્યાસ કરીને તેમાં યથાયોગ્ય સુધારા-વધારા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કાયદા અને ઠરાવોની જોગવાઈઓની ચકાસણી કરતી વખતે આવી જોગવાઇઓના અર્થઘટન કે અમલીકરણ અંગે નામ. હાઇકોર્ટ/ નામ. સુપ્રિમ કોર્ટ એ તેના વિવિધ આખરી થયેલ ચૂકાદાઓમાં આપેલ નિર્દેશ અનુસારની જોગવાઇઓ પણ આમેજ કરવાની રહેશે. ખાસ સચિવશ્રી (વિવાદ)ની કચેરી તેમજ ગુજરાત મહેસૂલ પંચની કચેરી જેવી અર્ધ-ન્યાયિક ઓથોરિટીએ તેના પ્રોસિંડીગ્સમાં આપેલ નિર્દેશો ધ્યાને રાખીને કાયદાઓ અને ઠરાવોમાં જરુરી આનુષંગિક સુધારા કરવાના રહેશે.



આ ઉપરાંત સમયાંતરે મહેસૂલ વિભાગને અલગ અલગ મંડળો, સંઘો, એસોસીએશનો જેવા કે કિસાન સંઘ, ક્રેડાઇ (બીલ્ડર એસોસીએશન), બાર એસોસીએશન વિગેરે) ધ્વારા તેઓને પડતી મુશ્કેલીઓ અંગે કરવામાં આવેલ રજૂઆતોમાં જણાવેલ મુદ્દાઓ અંગે પણ સમિતિએ પ્રજાલક્ષી જોગવાઇઓ સુચવતા કાયદા અને નિયમો / ઠરાવોના ઘડતર માટે પોતાનું મંતવ્ય /અભિપ્રાય/ સૂચનો જરુર જણાય સમાવિષ્ટ કરવાના રહેશે. આ કામગીરી માટે સમિતિ તેમને યોગ્ય લાગે એવા વિષય નિષ્ણાત અને જાણકાર સેવા-નિવૃત્ત કે સેવામાં કાર્યરત હોય એવા મહેસૂલી અધિકારીઓની સેવાઓ મેળવી શકશે. તેમજ આ કામગીરી માટે વિભાગના સંબંધિત સંયુકત / નાયબ સચિવશ્રીએ સમિતિને જરુરી સહયોગ પૂરો પાડવાનો રહેશે.



સમિતિને સોંપવામાં આવેલ કામગીરી બદલનું મહેનતાણું સરકાર દ્વારા અલગથી નિયત કરવામાં આવશે.સમિતિએ કરેલ ભલામણો અહેવાલ સ્વરૂપે અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ને રજૂ કરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application