મવડી ચોકડી પાસે આવેલી મહિરાજ હોટલના માલિકે અગાઉના ઝઘડાના સમાધાન માટે આંબેડકરનગરમાં રહેતા યુવાન અને તેના મિત્રને હોટલે બોલાવ્યા હતાં. બાદમાં હોટેલના માલિક તેના મિત્ર તથા અજાણ્યા શખસોએ મળી યુવાન અને તેના મિત્રને મારમાર્યો હતો. આ શખસે યુવાનને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી ધમકી આપી હતી કે, માપમાં રહેજો નહીંતર કાપીને કટકા કરી અહીં ગટરમાં નાખી દઈશ જે અંગે માલિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર 9 માં રહેતા મોહિત મનસુખભાઈ ચંદ્રપાલ(ઉ.વ.27) દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લાલો આહીર અને જયદેવ ડાંગરના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.01/01/2026 ના રાત્રીના નવેક વાગ્યા આસપાસ તે ઘરે હતો ત્યારે મિત્ર રોહિત રાઠોડનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તે પત્ની મેરૂનબેન સાથે આંબેડકરનગર તરફ આવતો હતો ત્યારે મવડી ચોકડી ખાતે એક શખસ રોંગ સાઈડમાં મોટર સાયકલ લઈને આવતો હોય જે મેરૂનની સામે જોતો હોય જે બાબતે ઠપકો આપતા બાઈક ચાલક ઝઘડો કરે છે તેવું જણાવતા યુવાન અહીં ગયો હતો.
યુવાનના મિત્રને જે શખસ સાથે ડખો થયો હતો તેને મળી વાત કરતા તે ઉગ્ર થઈ ગયો હતો અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો જેથી યુવાને કહ્યું હતું કે, મહિલા સાથે છે સભ્યતાથી વાત કરો તેમ કહેતા કહ્યું હતું કે, મહિલાને મૂકીને આવ પછી આપણે વાત કરીએ અને આ બાઈક ચાલકે તેનું નામ જયદેવ ડાંગર કહ્યું હતું અને પોતે મહિરાજ હોટલનો માલિક હોવાનું જણાવ્યું હતું અને યુવાનને તેનું નામ અને તું કેવો છો તેમ પૂછતા યુવાને પોતાનું નામ મોહિત ચંદ્રપાલ હોવાનું કહી મોબાઈલ નંબર લઇ તેમાં મિસકોલ માર્યો હતો. ત્યારબાદ યુવાન તથા તેનો મિત્ર રોહિત અને તેની પત્ની મેરૂન ઘરે જતા રહ્યા હતા.
બાદમાં રાત્રિના દસેક વાગ્યે રોહિતના માનેલા બનેવી નાજાભાઇ ભરવાડનો મેરૂનબેનમાં ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,તમારે જે મવડી ચોકડી ખાતે ઝઘડો થયો હતો તે બાબતે સમાધાન કરવા માટે મહીરાજ હોટલે મવડી ચોકડી ખાતે આવો જેથી યુવાન તથા તેનો મિત્ર રોહિત રાઠોડ બંને બાઈક લઇ મહીરાજ હોટલે ગયા હતા ત્યાં જઈને બેઠા હતા ત્યારે એક શખસ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું લાલો આહીર તે શું મારા ભાઈ સાથે બબાલ કરી કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દ કહી કહ્યું હતું કે, માપમાં રહેજો નહીંતર કાપીને કટકા કરીને અહીં ગટરમાં નાખી દઈશ. દરમિયાન પાછળથી યુવાનને માથાનાભાગે કડુ માર્યું હતું અને તેણે જોતા જયદેવ ડાંગરે તેના પર હુમલો કર્યો હતો અને જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દ કહી ગાળો આપી લાલો આહીર અને જયદેવ ડાંગરે તથા બીજા બેથી ત્રણ અજાણ્યા માણસોએ યુવાન તથા તેના મિત્ર રોહિતને માર મારવા લાગ્યા હતા. દરમિયાન અહીં અન્ય લોકો એકત્ર થઈ જતા વધુ મારમાંથી બચાવ્યા હતા. આ અંગ યુવાને વડીલો સાથે વાત કર્યા બાદ હવે આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.