બિહારના ઓરંગબાદ જિલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર શખસને શાપર પોલીસે તપાસ હાથ ધરી શાપર વેરાવળમાંથી ઝડપી લીધો હતો. આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ બંને શાપર આવી ગયા હતાં. બાદમાં આરોપી અહીં મજુરીકામે લાગી ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા શહેરમાં જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણા તથા ટીમ તપાસમાં હતી.
દરમિયાન માહિતી મળી હતી કે, બિહારના ઓરંગાબાદ જિલ્લાના દાઉદનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા અપહરણ અંગેના ગુનાનો આરોપી હાલમાં શાપરમાં છે જેથી પોલીસે શાપરમાં કિશાન ગેઇટ અંદરથી આરોપી રાજાકુમાર નરેશરામ (ઉ.વ. ૧૯ રહે. દાઉદનગર જી.ઓરંગાબાદ) ને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સગીરા સાથે પ્રેમસંબંધ હોય તે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ આરોપીએ સગીરાને અહીં રાખી હતી. આરોપી અહીં મજુરીકામે લાગી ગયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને દાઉદનગર પોલીસના હવાલે કરી હતી. આ કામગીરીમાં શાપર વેરાવળ પીઆઇ આર.બી.રાણાની રાહબરી હેઠળ હેડ કોન્સ. પ્રતીપાલસિંહ રાણા, જગદીશભાઇ ઝાલા, દિનેશભાઇ ખાટરીયા, કોન્સ. અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, રાજદિપસિંહ જાડેજા અને દિવ્યેશભાઇ શામળા સાથે રહ્યા હતાં.