BREAKING NEWS

રાજકોટ સોની બજારમાં ચોરી કરવાનો પ્લાન મુંબઇની આર્થર રોડ જેલમાં ઘડાયો’તો, છની ધરપકડ

  • April 01, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોની બજારમાં અમિત જવેલર્સ પેઢીમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી છ શખસોને ઝડપી લીધા હતાં. ચોરી માટેનો પ્લાન મુંબઇની આર્થર રોડ જેલમાં ઘડયો હોવાનું સામે આવ્યું છે. કલાક પહેલા રેકી કર્યા બાદ લાકડાના દરવાજાવાળી દુકાન જોઇ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.


લીમડા ચોક નજીક ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા 57 વર્ષીય સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોની બઝાર નવા નાકા રોડ પર મારુતી પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ગધીવાડ શેરીમાં અમિત જવેલર્સ નામની દુકાન આવેલી છે. જેમાં ગઇકાલે ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમા સફળ ન રહેતા રૂ.૫૦ હજારની કિંમતના નોટ ગણાવાના બે મશીન ચોરી ગયા હતાં. જે અંગે ફરિયાદ નોંધાવી હતી.


ચોરીના બનાવનો તાત્કાલિક ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી લેવાની પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ અને એસીપી બી વી જાધવની સૂચનાને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જે.આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ. રાણા અને એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ. ઝાલાની રાહબીરમાં અલગ અલગ ટીમો કામે લાગી હતી. દરમિયાન પોલીસે સંયુક્ત બાતમીના આધારે પેલેસ રોડ નજીક પદ્મકુંવરબા હોસ્પિટલ સામેથી શંકાસ્પદ સફેદ કલરન્જ હ્યુન્ડાઇ આઈ-20 કાર સાથે છ શખસોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. બાદ ઝડપાયેલા શખ્સોની યુકતી-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સોની બજારની અમિત જવેલર્સમાં વહેલી સવારે ચોરી કર્યાની કેફીયત આપતાં શુભમ સુભાષભાઈ સોની (ઉવ 24 રહે. બ્રાન્દ્રા વેસ્ટ, રાજારામ વાડી ધોબી ઘાટ, મુંબઈ, મહારાષ્ટ્ર્ર), ભાવિક કિરણભાઈ સીતાપરા (ઉવ 23 રહે. જય વેલનાથ નિવાસ, રાધેશ્યામ સોસાયટી શેરી નં.-2, હુડકો ચોકડી પાસે, કોઠારીયા રોડ, રાજકોટ), જયદીપ નરેશભાઈ કાકડિયા (ઉવ 26 રહે. હીર વિલા કોમ્પ્લેક્સ, ફ્લેટ નં. -બી 303, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ), મિલન દિલીપભાઈ ગોંડલીયા (ઉવ 26 રહેમ સનાતન પાર્ક શેરી નં.-4, કોઠારીયા રોડ, રાજકોટ), ધવલ દિલીપભાઈ સુરેલા (ઉવ 25 રહે. તિરુપતિ -10, કોઠારીયા ચોકડી, રાજકોટ) અને રાકેશ કાળુભાઇ બોરસાણીયા (ઉવ 23 રહે. તિરુપતિ સોસાયટી શેરી નં.-10, કોઠારીયા રોડ, રાજકોટ)ની ધરપકડ કરી રૂ. 50 હજારની કિંમતના રોકડ ગણવાના બે મશીન, જીજે-03-એમઆર-0410 કાર મળી કુલ રૂ. 5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


પોલીસ તપાસમાં મુંબઈનો તસ્કર શુભમ ચોરીના ગુનામાં આર્થર રોડ જેલમાં બંધ હતો. ત્યારે જ મિલન ગોંડલીયાનો ભાઈ સાવન પણ ફ્રોડના ગુનામાં અહીં જેલમાં હતો. જેલમાં શુભમ અને સાવનની મુલાકાત થઇ હતી. બાદમાં સાવને મિલનની મુલાકાત શુભમ સાથે કરાવી હતી અને ચોરીનું કાવતરું ઘડાયું હતું. શુભમ ચોરી કરવામાં માહિર હોય મિલને તેને અહીં ચોરી કરવા બોલાવ્યો હતો.​​​​​​​

તિજોરી ન તૂટતાં 10 લાખના ઘરેણાં બચી ગયા


સોની બજારની પેઢીમાં ચોરી કરવાથી મોટી મત્તા હાથમાં આવશે તેવી આશા સાથે તસ્કરો અમિત જવેલર્સમાં ત્રાટક્યાં હતા. જયા તેઓ અલગ અલગ પાંચ લોક તોડવામાં સફળ રહ્યા હતા. પરંતુ દુકાનમાં રહેલી તિજોરી તોડવામાં તસ્કરો અસફળ રહ્યા હતા. જેના લીધે તિજોરીમાં સોની વેપારીએ રાખેલા આશરે રૂ. 10 લાખના ઘરેણાં બચી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application