જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટના પીએમજેએવાય કૌંભાડમાં પોલીસે સફીતપૂર્વક પોતાના હાથ ખેંચી લીધા છે. કારણ કે, જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટના તબીબની સારવારમાં બેદરકારીથી પિતાનું અવસાન થયાના આક્ષેપ સાથે પુત્રએ કરેલી અરજી પોલીસે ફાઇલ એટલે કે નીકાલ કરી દીધો છે. અરજીના જવાબમાં આરોગ્ય વિભાગ અને ગુજરાત મેડીકલ કાઉન્સીલ પર ઠીકરૂ ફોડી સરકારની પ્રાથમિક તપાસ ચાલુ હોય પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી તેવો પ્રત્યુતર અરજદારને લેખીતમાં આપવામાં આવતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉભા થયા છે.
જામનગરની જાણીતી જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં ૧૦૫ કેસમાં ગેરરીતી અને ૫૩ દર્દીને હદયની સારવારની જરૂર ન હોવા છતાં કાર્ડીયાક સર્જરી કરી પીએમજેવાય યોજનામાં કૌંભાડનો ઘટસ્ફોટ ખુદ રાજયના આરોગ્ય વિભાગે કર્યો હતો. આ કૌંભાડ ખૂલ્યા બાદ શહેરમાં મોમાઇનગરમાં રહેતા રવીભાઇ હીંડોચાએ સીટી એ ડીવીઝન પોલીસમાં ચોંકવનારા આક્ષેપ સાથે અરજી કરી હતી.આ અરજીમાં તેણે જણાવ્યું હતું કે, આ જ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજના અંતર્ગત પોતાના પિતા રસીકભાઇ વલ્લભદાસભાઇ હીંડોચા(ઉ.વ.૬૫)ને તા.૧૭-૦૨-૨૦૨૫ના સારવાર અર્થે દાખલ કરાયા હતાં. જયાં તબીબ ડો.પાર્શ્ર્વ વોરાએ તમારા પિતાને હદયની તકલીફ અને નળી બ્લોક છે તેમ જણાવી ડરાવીને એન્જીયોગ્રાફી કરી હાર્ટમાં બે સ્ટેન્ટ બેસાડી જે દીવસે સર્જરી કરી તે જ દિવસે રજા આપી દીધી હતી. ઓપરેશન બાદ પણ પિતાને સારૂ ન થતા તા.૧-૧૧-૨૦૨૫ના અવસાન થતા જેસીસી હાર્ટ હોસ્પિટલના ડો.પાર્શ્ર્વ વોરા અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું હતું.
પરંતુ જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટના પીએમજેએવાય કૌંભાડ મુદે પોલીસે સીફત પૂર્વક પોતાના હાથ ખેંચી રવિભાઇએ કરેલી અરજી ફાઇલ એટલે કે નીકાલ કરી દીધો છે. કારણ કે, પોલીસે રવિભાઇને અરજી નીકાલ કર્યાની તા.૨૦-૧૨-૨૦૨૫ના કરેલી લેખીત જાણના પત્રમાં જણાવ્યું છે કે, આપની અરજી વંચાણે લઇ રજૂઆત સાંભાળવામાં આવી છે. જેસીસી હાર્ટ હોસ્પિટલમાં આપના પિતા રસીકભાઇ વલ્લભદાસ હીંડોચાની સારવારમાં તેઓના હાર્ટની એન્જીયોગ્રાફી કરી બે સ્ટેન્ટ બેસાડવામાં આવ્યા હતા અને સારવાર બાદ પણ સારૂ ન થતા તેઓનું અવસાન થતા જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટના જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
પરંતુ જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ વિરૂઘ્ધમાં ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદ દ્વારા તા.૧૪-૧૧-૨૦૨૫થી વિગતવારનો ખુલાસો માંગી કેસ, સંબંધી તપાસના રેર્કડ, કાગળો અને અહેવાલ નોંધણી પ્રમાણપત્રો સહીતના દસ્તાવેજો માંગવામાં આવ્યા હોય અને ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ તપાસ ચલાવી રહ્યું છે. મનુષ્યની બિમારીની તબીબી સારવારની ક્ષતિઓ વિષય ગુજરાત સરકારના હેલ્થ ડીપાર્ટમેન્ટનો હોય હાલના તબકકે સરકારની પ્રાથમિક તપાસ ચાલુ હોય જેથી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવાની રહેતી ન હોય તમારી અરજી ફાઇલ કરવામાં આવે છે તેમ જણાવ્યું છે.