BREAKING NEWS

જામનગરમાં કાલે આપની જાહેર સભા બાદ બદલાઇ જશે રાજકીય ગણીત

  • December 04, 2025 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સમગ્ર રાજયના પગલે જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાનું કહી શકાય, ફેબ્રુઆરીમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની પુરી સંભાવના છે, દેખીતી રીતે મહાનગરોમાં રાજકીય ગતીવિધીઓ તેજ બની છે, પરંતુ જામનગરમાં તો રાજકીય પરીપ્રેક્ષ્યમાં ધરમુળથી ફેરફાર થઇ જાય એવા સંકેતો આપતી ઉથલ-પાથલનો પ્રારંભ થઇ ચૂકયો છે, આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા અહીંના ટાઉનહોલ ખાતે એકાએક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય વકતાઓ તેજાબી પ્રવચનો આપશે જ, આ ઉપરાંત આપ રાજકીય રીતે સાવરણુ ફેરવવાની છે અને કોંગ્રેસના શકિતશાળી ગણાતા ત્રણ ચહેરાને આપમાં ખેંચી લેવાની છે એવું લગભગ નિશ્ર્ચિત છે, કારણ કે આ દિશામાં યુઘ્ધના ધોરણે ચૂપચાપ ઓપરેશન ચાલી રહ્યું છે. 


આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ આવતીકાલ તા.૫ ડીસેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યે ટાઉનહોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા અને પોતાની તેજાબી વાણી માટે જાણીતા એવા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ઉપસ્થિત રહેવાના છે. ખુદ પાર્ટીએ પોતાની યાદીમાં એવું કહ્યું છે કે, જામનગરના રાજકારણમાં એક નવા અઘ્યાયની શરૂઆત થશે. જામનગર શહેર અઘ્યક્ષ રાજેન્દ્રસિંહ સોઢા દ્વારા આ યાદી મીડીયાને આપવામાં આવી છે અને તેમાં સ્વભાવીક રીતે આપના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ સહિતની આખી ટીમ પણ જોડાયેલી છે. 


આ તો કાર્યક્રમ થવાની એક સામાન્ય જાહેરાત છે, પરંતુ તેની પાછળ જે અસામાન્ય રાજકીય ગોઠવણ થવાની છે તેનાથી જામનગરના રાજકારણનું ચીત્ર જાણે બદલાઇ જશે એવા અણસાર મળી રહ્યા છે અને આ જે ફેરફાર થવાનો છે તે કોંગ્રેસ માટે એક રીતે નુકશાનકારક બની રહેવાની પણ પુરેપુરી શકયતા છે. સ્વભાવીક રીતે સતાધારી ભાજપ માટે તો જે થાય છે એમના માટે સારૂ થાય છે એવું કાંઇક થવાનું છે. 


અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ હેમત ખવા અને ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ૩ શકિતશાળી મનાતા ચહેરા આમ આદમી પાર્ટીની ખેંસ પહેરવાના છે અને આ ઝાટકો કમસેકમ બે વોર્ડમાં કોંગ્રેસ માટે ઘાતક પુરવાર થવાની પુરેપુરી સંભાવના છે. 


હજુ ગઇકાલે જ કોંગીની સુશીક્ષીત નગરસેવિકાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું, આ પહેલા થોડા મહીના પૂર્વે પૂર્વ વિપક્ષી નેતાને કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા, આ બંને ચહેરા એવા છે જે વોર્ડ નં.૧૨ માટે ખુબ જ મજબુત ગણી શકાય, આ સંજોગોમાં જો આ બે ચહેરા સહિતના બીજા ચહેરા કોંગ્રેસથી દુર જાય તો એમની ખોટ પુરવા માટે એવા ચહેરા શોધવા કોંગી માટે અશકય બની રહેશે, કારણ કે ચૂંટણીની આડે માત્ર બે માસ રહ્યા છે. 


એવું પણ જાણવા મળ્યું છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી આપના ધારાસભ્ય હેમત ખવાની ઓફીસે ચહલ-પહલ ખુબ જ વધી ગઇ છે, કલાકો સુધી મીટીંગોના દૌર ચાલી રહ્યા છે અને આ મીટીંગો આવતીકાલે થનારા રાજકીય ઓપરેશન ડીમોલીશનના અનુસંધાને થઇ રહી છે જેમાં લગભગ તમામ ગોઠવણો પૂર્ણ થઇ ગઇ છે. 


કહેવાય છે કે, કોંગ્રેસને જયારથી જુથવાદના એરૂએ ડંશ દીધો છે અને ખાસ કરીને કોંગ્રેસના ગઢ મનાતા વોર્ડ નં.૧૨માં જયારથી મતભેદની ખાઇ ઉંડી થઇ ગઇ છે ત્યારબાદથી સતતને સતત કોંગીનો જુથવાદ સ્પષ્ટ રીતે જોવા પણ મળ્યો છે, જયારે વિપક્ષ તરીકે એક જુથ વિરોધનો કાર્યક્રમ આપે ત્યારે બીજા જુથની ગેરહાજરી અચુક જોવા મળી છે અને ત્યારથી જ એવું લાગતું હતું કે, આ વખતે કાંઇક નવા-જુની થવાની છે. 


ગઇકાલથી તેજ બનેલી ગતિવિધીઓ વાસ્તવમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્વેની રાજકીય આંધીના ઝોકા સમાન છે અને કાલે જે થવાનું છે તેના પછી વોર્ડ નં.૧૨ની સાથે-સાથે વોર્ડ નં.૧નું ચિત્ર પણ મહદઅંશે બદલાઇ જવાની સંભાવના નકારી શકાતી નથી.


એ કહેવાની જરૂર નથી કે, વોર્ડ નં.૧ અને ૧૨ હંમેશાથી કોના મજબુત ગઢ છે, આ બે વોર્ડમાં સતાધારી ભાજપે શામ, દામ, દંડ, ભેદ બધુ જ ભૂતકાળમાં અપનાવી લીધુ હોવા છતાં મતદારો તરફથી કમસેકમ મહાનગરપાલીકાની ચૂંટણીમાં સતાને સાથ મળ્યો નથી. આ સંજોગોમાં જયારે અત્યાર સુધી ભાજપના મુખ્ય હરીફ બનેલા કોંગ્રેસમાં મોટાપાયે ભાંગતોડ શરૂ થઇ હોવાથી ભારતીય જનતા પાર્ટી પોતાની વ્યુહરચના મુજબ કાં તો કોંગ્રેસનો કાટો કાઢવા આપને રાજકીય ગણતરી સાથે મદદ કરી શકે છે, જે સામે દેખાશે નહીં અથવા તો ચુપ બેસીને તમાસો જોઇને પોતાના મજબુત ચહેરા ઉતારીને બેની લડાઇમાં ત્રીજો ફાવી જાય એ કહેવત મુજબ કદાચ પ્રયાસ પણ કરે.


આપના આવતીકાલના કાર્યક્રમમાં એકે તરીકે જાણીતા બની ગયેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવવાના છે એવી વાત ઉઠી હતી, પરંતુ આજે ધારાસભ્ય હેમતભાઇ ખવા સાથે વાત કરવામાં આવતાં એમણે આજકાલને કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અહીં નહીં આવે પરંતુ તા.૭ના રોજ રાજકોટ આવી રહ્યા છે. 


રાજકારણમાં ગળાડુબ તમામ લોકો એવા ચહેરાઓથી વાકેફ છે જે આવતીકાલે કોંગ્રેસનો સંપૂર્ણરીતે ત્યાગ કરીને આપનું સાવરણુ હાથમાં લેવાના છે અને જે રીતે જામનગર સહિત ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના અસ્ત થઇ રહેલા સુરજની સામે મતદારો માટે મજબુત એવો ત્રીજો વિકલ્પ બની રહી છે તેને જોતા જે ફેરફાર આવતીકાલે થવાનો છે તે જામનગરના રાજકારણમાં ધરમુળથી બદલાવ લાવવામાં નિમીત બની શકે છે. 


લઘુમતી વસ્તી પ્રેરીત વોર્ડ નં.૧ અને ૧૨ ભલે કોંગ્રેસના ગઢ ગણાતા હોય પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીથી લઘુમતીઓ અને દલીતો તથા કચળાયેલો વર્ગ ખુબ જ પ્રભાવીત થયો છે જેના કેટલાક દાખલા પાછલી ચૂંટણીઓમાં આપને જોવા મળ્યા છે. આ સંજોગોમાં કદાચ બની શકે કે, મરણ પથારીએ પડેલી કોંગ્રેસના બદલે હવે લઘુમતી વિસ્તારો પણ ત્રીજા વિકલ્પ તરીકે ‘આપ’ને એક તક આપવાનું વિચારી શકે છે. 


આ જ કારણે વોર્ડ નં.૧૨ના મજબુત ચહેરા કોંગ્રેસના રામ રમાડી દેવામાં સફળ થઇ શકે છે અને એ જ રીતે વોર્ડ નં.૧નું રાજકીય ગણીત પણ બદલાઇ શકે છે એવું પણ જાણવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટી આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં વીણી-વીણીને દાણીયા જેવા મતલબ કે સુશિક્ષીત ચહેરાઓ અને શકિતશાળી લોકોને ઉતારવાના મુડમાં છે. 


આગળ ચાલીને ઘણી બાબતોની ખુલીને ચર્ચા થશે, આવતીકાલે આપનું રાજકીય ઓપરેશન ડીમોલીશન થઇ જાય અને કોંગ્રેસના કેટલાક મજબુત ચહેરા ટાઉનહોલમાં આપનો ખેંસ પહેરે છે તે ચીત્ર સ્પષ્ટ થયા પછી રાજકીય ભવિષ્ય વધુ સારી રીતે ભાખી શકાશે....થોંભો અને રાહ જુઓ. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application