ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ ધામમાં ચાલુ વર્ષની ચારધામ યાત્રા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. શિયાળાની ઋતુના આગમન અને હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને આજે 11 નવેમ્બર, ભાઈબીજના પવિત્ર દિવસે કેદારનાથ મંદિરના કપાટ શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ સવારે 8:30 વાગ્યે ધાર્મિક વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર બંધ થયા હતા. આ સાથે વર્ષ 2026ની કેદારનાથની મુખ્ય યાત્રાનો વિરામ આવ્યો હતો.
કપાટ બંધ કરવાની પ્રક્રિયા પહેલાં મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન કેદારનાથની ચલ ઉત્સવ મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરીને પરંપરાગત વિધિ સાથે શિયાળાના ગાદીસ્થાન તરફ રવાના કરવામાં આવી હતી. આ ધાર્મિક યાત્રામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
કેદારનાથ ધામથી ભગવાનની ઉત્સવ ડોલી આજે 11 નવેમ્બરે રવાના થઈ રામપુર પહોંચી હતી, જ્યાં રાત્રિ રોકાણ બાદ 12 નવેમ્બરે ડોલી રામપુરથી આગળ વધીને ફાટા અને નારાયણકોટી થઈ ગુપ્તકાશીના વિશ્વનાથ મંદિરે પહોંચશે. અહીં રાત્રિ રોકાણ બાદ 13 નવેમ્બરે સવારે 8:30 વાગ્યે ડોલી ઊખીમઠ તરફ પ્રસ્થાન કરશે. અંતે ભગવાન કેદારનાથની ઉત્સવ મૂર્તિ ઊખીમઠ સ્થિત શ્રી ઓમકારેશ્વર મંદિરે પહોંચશે, જ્યાં પરંપરાગત ધાર્મિક વિધિ સાથે સ્થાપના કરવામાં આવશે.
શિયાળામાં ઊખીમઠ ખાતે થશે પૂજા-અર્ચના
કેદારનાથ ધામના કપાટ બંધ થયા બાદ આગામી શિયાળાની ઋતુ દરમિયાન ભગવાન કેદારનાથની નિયમિત પૂજા-અર્ચના ઊખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવશે. આ સ્થળ ભગવાન કેદારનાથનું શિયાળુ ગાદીસ્થાન ગણાય છે. દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષા અને કાતિલ ઠંડીને કારણે કેદારનાથ ધામ સુધી પહોંચવું મુશ્કેલ બનતું હોવાથી ધાર્મિક પરંપરા મુજબ ભગવાનની ઉત્સવ મૂર્તિને નીચાણવાળા વિસ્તારમાં લાવવામાં આવે છે. અહીં ભક્તો શિયાળાના મહિનાઓ દરમિયાન પણ બાબા કેદારના દર્શન અને પૂજાનો લાભ લઈ શકશે.
ચારધામ યાત્રાની ઋતુ પૂર્ણ થવા તરફ
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અંતર્ગત ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. વર્ષ 2026માં પણ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં હાજરી નોંધાઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ 20 ઓક્ટોબર સુધીમાં ચારધામમાં કુલ 56 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. જેમાં કેદારનાથ ધામમાં આશરે 17.6 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.