BREAKING NEWS

લાઈમલાઈટમાં આવવા પૂજારીનું કારસ્તાન, ગિરનાર પર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરી, બેની ધરપકડ

  • October 14, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં પવિત્ર ગિરનાર પર્વત પર ૬ હજાર પગથિયે ગોરખનાથ શિખર પર આવેલા ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત થવાની ઘટના બાદ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનોમાં રોષ ફેલાયો હતો. ૪ અજાણ્યા શખ્સો સામે ગોરખનાથ મંદિરના મહંતે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે. ઝડપાયેલા પૈકી એક મંદિરનો પૂજારી અને અન્ય ગોરખનાથ મંદિર પાસે ફોટોગ્રાફર તરીકે વ્યવસાય કરતા મંદિરના પૂર્વ કર્મચારી હોવાનું ખુલ્યું હતું અને લાઈમ લાઈટમાં આવવા માટે ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા ફિટકાર વરસી રહી છે. 


જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલ ગોરખનાથ શિખરે ગત તા.૫ ઓકટોબરના વહેલી સવારે ગોરખનાથ શિખર પરના મંદિરમાં મૂર્તિ ખંડિતની ઘટના મામલે પોલીસે વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી અલગ અલગ ૧૦ ટીમ બનાવી હતી અને વિવિધ દિશાઓમાં અને સ્થળો પર તપાસ અને પૂછપરછ શ કરવામાં આવી હતી. પોલીસ દ્રારા થઈ રહેલી કાર્યવાહી અને પૂછપરછમાં ૧૫૬ જગ્યાએ સીસીટીવી ફટેજ ચેક કર્યા હતા. આ ઉપરાંત ટેકનિકલ સોર્સ અને ઊંડાણપૂર્વકની માહિતીના આધારે ગોરખનાથ મંદિર ખાતે ફોટોગ્રાફર રમેશભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ (રહે જૂનાગઢ) અને મંદિરમાં પગારદાર તરીકે કામ કરતા પૂજારી કિશોર સીવનદાસ કુકરેજા સિંધી (રહે મહારાષ્ટ્ર્ર)એ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરી હોવાનું જણાવ્યું હતું. 


પોલીસે કરેલી તપાસ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવા તથા બાતમીદારોને સક્રિય કરી ગિરનાર પર્વત પર નવી સીડી તથા જૂની સીડી વિસ્તાર, રોપવે, ગિરનાર તળેટી અને ગેસ્ટ હાઉસ,૧૫૬ જગ્યાના વિવિધ સ્થળોએ ૧૦ ટીમો મારફત સીસીટીવી ફટેજ મેળવી અલગ અલગ લોકેશનના આધારે હાજરીવાળા વ્યકિતઓને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ગોરખનાથ મંદિરની નજીક આવેલ દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરનાર રમેશ ભટ્ટ (રહે જુનાગઢ) અગાઉ ત્રણ મહિના મંદિરમાં પગારદાર તરીકે રખાયેલ, જેની સંડોવણી મળતા તેને ઝડપી યુકિત કરી પૂછપરછ કરી હતી અને તે ભાંગી પડ્યો હતો.  


રમેશ ભટ્ટના જણાવ્યા મુજબ તા.૪ ઓકટોબરના સાંજની આરતી બાદ ગોરખનાથ મંદિરના પગારદાર સેવક પૂજારી કિશોર કુકરેજા (રહે ઉલ્લાસ નગર મુંબઈ) ગોરખનાથ મૂર્તિ તથા પાદુકા વાળા મંદિર પાસે લઈ ગયેલ અને સાઈડમાં ઉભેલ હતો અને મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાએ લોખંડની સ્ટીકથી મંદિરમાં કાચમાં બે થી ત્રણ ઘા મારી કાચ તોડી નાખ્યા હતા અને સ્ટીક મંદિરમાં પરત મૂકી આવેલ ત્યારબાદ થોડા સમય પછી કિશોરભાઈ દ્રારા જ મંદિરનું તાળું ખોલી નાખેલ અને એક પગ મંદિરમાં અંદર મૂકી અને બે હાથથી મૂર્તિ દરવાજા વાટે બહાર કાઢેલ અને કિશોર કુકરેજાએ નીચેના ભાગે મૂર્તિ પકડવાનું કહેતા રમેશ ભટ્ટ મૂર્તિ પકડી દિવાલ સુધી લઈ ગયો હતો અને મૂર્તિને દિવાલ પરથી નીચે ખાઈમાં ફેંકી દેવામાં આવી હતી.


પગારદાર સેવક કુકરેજાને રમેશ ભટ્ટ દ્રારા આવું કરવાનું કારણ પૂછતા કે મેં બાદ મેં બતાઉગા તેમ કહેલ અને હું સવારે તારી પાસે આવી મૂર્તિ ચોરી થઈ ગયેલ છે તેમ જણાવુ ત્યારે તું આ વાતથી અજાણ હોવાનો ઢોંગ કરજે તેમ કહેલ હતું. જોકે પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં રમેશ ભટ્ટ ભાંગી ગયો હતો અને તેણે કિશોર કુકરેજાનું નામ આપ્યું હતું. 


એલસીબી દ્રારા તાબડતોબ કિશોર કુકરેજાને ઝડપી લીધો હતો. તેમજ ગોરખનાથ મંદિર પર કરેલા તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના અંગે પૂછતા લાઈમ લાઈટ(પ્રસિધ્ધિ) માં આવે તે માટે સમગ્ર ઘટના કરી હોવાની કબુલાત કરી હતી. જોકે સમગ્ર બનાવ બન્યો ત્યાર બાદ પૂજારી પોલીસની તપાસમાં પણ સાથે જ રહેતો હતો. અને પુરાવા વગર જો પોલીસ પકડે તો ઉહાપોહ થવાની શકયતા હતી.જેથી પોલીસ પણ પુરાવા એકત્ર કરવા વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહી હતી, બંને શખ્સોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે તેમ જ આ ઘટનામાં અંજામ આપવામાં અન્ય કોઈનો દોરી સંચાર હતો કે કેમ સહિતની બાબતો અંગે પણ પૂછપરછ હાથ ધરી છે


એફએસએલના લાઈવ ડેમોમાં બનાવ શંકાસ્પદ જણાયો

ઐંડાણપૂર્વકની તપાસમાં એફએસએલ અધિકારીની હાજરીમાં બનાવનો ડેમો તૈયાર કરવામાં આવ્યો અને ડેમોસ્ટ્રેશનના આધારે બનેલ બનાવવામાં તૂટેલા કાચના ડાયામીટરમાંથી ૫૦ કીગ્રા વજનની મૂર્તિ જ નીકળી શકે તેમ ના હોય અને મંદિરનું તાળું ખોલી અને દરવાજા સિવાય મૂર્તિ બહાર નીકળી શકવાની શકયતા ઓછી હતી જેથી ટેકનિકલ સોર્સના માધ્યમથી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં અંદરની જ કોઈ વ્યકિત હોવાની શંકા પ્રબળ થઈ હતી.


હવે ખરાઈ કર્યા વગર પૂજારીને ન રાખવા સાવચેતી રખાશે–મહેશગીરીબાપુ

જૂનાગઢ ગીરનાર ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવાના જઘન્ય કૃત્ય કરેલા આરોપીઓને પકડી પોલીસની સરાહનીય કાર્યવાહીને વિદેશ પ્રવાસે હોવાથી વિડિઓ સંદેશ દ્રારા  મહેશ ગીરીબાપુએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. તેમજ આવા નરાધમોને જાહેર ચોકમાં ફટકારો એના મોઢા કાળા કરો અને હવે પછી કોઈપણ સંસ્થાઓમાં વેરિફિકેશન વગર આવા લોકોને પૂજા પાઠ કરવા કે પૂજારી તરીકે ન રાખવા જેવી પણ ખરાઈ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application