BREAKING NEWS

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો...પૂજારી માત્ર ભગવાનના સેવક, મંદિરની જમીન કે મિલકત પર અધિકાર નહીં

  • January 23, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધાર્મિક સ્થળોની મિલકતો પર પૂજારીઓના અધિકારોને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જે.સી. દોશીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, મંદિરમાં પૂજા-સેવા કરનાર પૂજારી ભગવાનનો માત્ર સેવક હોય છે અને તેઓ લાંબા સમયથી કબજો ધરાવ્યાના આધારે, એટલે કે ‘એડવર્સ પઝેશન’ના સિદ્ધાંત હેઠળ, મંદિરની જમીન અથવા મિલકત પર માલિકી હક્કનો દાવો કરી શકતા નથી.


આ કેસ પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા એક ગણેશ મંદિર સાથે સંબંધિત છે. એક સ્થાનિક મહિલાએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો કે જાહેર રસ્તા પર ગેરકાયદે રીતે ગણેશ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે સામાન્ય લોકોની અવરજવર માટે અવરોધ ઊભો થઈ રહ્યો છે. આ અરજી પર સુનાવણી બાદ ટ્રાયલ કોર્ટે મંદિરનું બાંધકામ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.


ટ્રાયલ કોર્ટના આ નિર્ણય સામે મંદિરના પૂજારીએ સેકન્ડ અપીલ દાખલ કરી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન પૂજારીના વકીલે દલીલ કરી હતી કે પૂજારી છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી મંદિરની સેવા કરી રહ્યા છે અને સતત કબજાના આધારે તેમનો હક્ક બને છે. જોકે, હાઈકોર્ટે આ દલીલને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી.


હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે પૂજારી એ માત્ર ભગવાનના સેવક અથવા નિયુક્ત વ્યક્તિ છે. તેમને મંદિરની મિલકત પર કોઈ સ્વતંત્ર કાયદાકીય અધિકાર પ્રાપ્ત થતો નથી. કોર્ટના મતે, એડવર્સ પઝેશનનો દાવો ત્યારે જ માન્ય ગણાય જ્યારે કબજો ખુલ્લો, સતત વિરોધી અને માલિકની જાણમાં હોય. આ કેસમાં આવા કોઈપણ તત્ત્વો સાબિત થયા નથી.


કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે જો મંદિરનું નિર્માણ જાહેર રસ્તા પર કરવામાં આવ્યું હોય તો તે સંપૂર્ણપણે અનધિકૃત બાંધકામ ગણાય છે અને તેને દૂર કરવું અનિવાર્ય છે, ભલે તે ધાર્મિક સ્થળ હોય. ધાર્મિક આસ્થા કાયદાથી ઉપર નથી, તેવો સ્પષ્ટ સંદેશ પણ આ ચુકાદા મારફતે આપવામાં આવ્યો છે.

હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજકાલ મિલકત ખાલી ન કરવી પડે તે માટે એડવર્સ પઝેશનનો ખોટો દાવો કરવાની પ્રવૃત્તિ વધી રહી છે, જેને કાયદા દ્વારા રોકવાની જરૂર છે. અંતે, હાઈકોર્ટે પૂજારીની સેકન્ડ અપીલ ફગાવી દીધી અને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલ બાંધકામ દૂર કરવાનો આદેશ યથાવત્ રાખ્યો છે. આ ચુકાદાથી રાજ્યમાં જાહેર માર્ગો પર થતા દબાણો અને ધાર્મિક મિલકતો પરના અંગત દાવાઓ પર કાયદાકીય લગામ આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News