BREAKING NEWS

ગઢકાના મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબાઈ માની ધજા ચઢાવવા જતો'તો, રસ્તામાં જ ટ્રક માથે ફરી વળતા 7ને કાળ ભરખી ગયો

  • April 13, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ધોરીમાર્ગો પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લખતરના ભાસ્કરપરા ગામ પાસે બેફામ ગતિએ આવતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 10થી 12 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ ગોઝારી ઘટનાની જાણ થતાં ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારા સભ્ય પી.કે. પરમાર પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યારે ધારા સભ્ય પી.કે. પરમારે આ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,' રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો.


એક જ પરિવારના 4 સભ્યોના મોતથી માતમ

આ ભયાનક અકસ્માતમાં સૌથી વધુ અસર એક જ પરિવાર પર પડી છે. મૃતકોના સ્વજન વનરાજભાઈ મુંધવાએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે, તેમના મોટાબાપુ, મોટીબા, ફઈ અને ભાભી એમ એક જ ઘરના 4 સભ્યોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. ગત બપોરે 3 વાગ્યે ઘરેથી નીકળેલા આ પદયાત્રીઓ સાથે રાત્રે 1:20 વાગ્યે કાળ ભેટ્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, રાજકોટથી ભરવાડ સમાજનો એક પગપાળા સંઘ લખતરના છારદ ગામે રાત્રી રોકાણ કરીને વિઠ્ઠલગઢ તરફ આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર એક ટ્રકનું ટાયર પંચર પડતા તેનો ચાલક ટાયર બદલી રહ્યો હતો. પદયાત્રીઓ આ ઉભેલી ટ્રકની સાઈડમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક ડમ્પરે પદયાત્રીઓ અને ટાયર બદલી રહેલા યુવાનને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં 5 મહિલાઓ અને 2 પુરુષો સહિત કુલ 7 લોકોના મોત થયા છે.


તંત્ર અને રાજકીય નેતાઓની દોડધામ

ઘટનાની જાણ થતા જ દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર અને ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્યએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અપાવવાની વ્યવસ્થા કરી હતી અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થળ: લખતર-વિરમગામ હાઈવે, ભાસ્કરપરા ગામની સીમ.

મૃત્યુઆંક: 7 (જેમાં એક જ પરિવારના 4 સભ્યો સામેલ).

આરોપી: ડમ્પર ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયા (ઝામર ગામનો રહેવાસી) ની અટકાયત.

સંઘ: રાજકોટથી નીકળેલો ભરવાડ સમાજનો પદયાત્રી સંઘ.


પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર સર્જાયેલી આ લોહીયાળ ઘટનાએ પદયાત્રીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.


કાળનો કોળિયો બનનારા મૃતકોના નામ

1) મસાભાઈ કરશનભાઇ મુંધવા (ભરવાડ) રહે - ખારસીયા (રાજકોટ ) ઉંમર વર્ષ - 59

2) જાલુબેન મસાભાઈ કરશનભાઇ મુંધવા (ભરવાડ) રહે - ખારસીયા (રાજકોટ ) ઉંમર વર્ષ - 57

3) રાણીબેન મંગાભાઇ લોબરીયા ( રહે- રાજકોટ RTO પાસે ) ઉંમર વર્ષ - 45

4) જાલુબેન વેલાભાઈ મુંધવા (ભરવાડ) રહે - ડુંગરપુર (રાજકોટ) ઉંમર વર્ષ - 45

5) વિજુબેન પ્રવીણભાઈ મુંધવા (ભરવાડ) રહે - સતરગામ, તા - ટંકારા (મોરબી) ઉંમર વર્ષ -45

6) વજીબેન વિભાભાઈ મુંધવા (ભરવાડ) રહે - સતરગામ, તા - ટંકારા (મોરબી) ઉંમર વર્ષ -52

7) જયદીપભાઈ હરદીપભાઇ સાપરા ( ગામ શીયાણી તાલુકો- લીંબડી, જિલ્લો- સુરેન્દ્રનગર )



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application