જામનગર શહેરના જૂના વિસ્તારોમાં નળની પાઇપલાઇન ૩૦ વર્ષ જૂની હોય દૂષિત પાણીની ફરિયાદોએ માઝા મૂકી છે. આથી દૂષિત પાણી પીવાના કારણે થતા ટાઇફોઇડના શહેરમાં મહીને ૧૭ કેસ નોંધાતા જન આરોગ્ય પર જોખમ વઘ્યું છે. સીમેન્ટ-ક્રોકીંટના જંગલો ઉભા કરવામાં રચ્યા પચ્યા રહેતા જામ્યુકોના જવાબદારોને દાયકાઓ જૂની પાઇપલાઇનનું નેટવર્ક બદલવાનું સૂઝતું નથી. આથી ઇન્દોર અને ગાંધીનગરની જેમ જીવલેણ પાણીજન્ય રોગચાળો ફેલાયા બાદ મહાનગરપાકિા જાગશે તે સળગતો સવાલ ઉઠ્યો છે. આટલું જ નહીં શહેરમાં દૂષિત પાણીની થોકબંધ ફરિયાદો વચ્ચે શહેરીજનો ખરેખર ભગવાન ભરોસે હોવાનું ગંભીર અને કટોકટીભરી સ્થિતિ પ્રર્વતી રહી છે.
દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર અને ત્યારબાદ રાજયના પાટનગર ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાના કારણે નિર્દોષ માનવીના મૃત્યુ થયા છે. નળની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળવાના કારણે આ રોગચાળો ફેલાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ નળ વાટે આવતું પાણી દૂષિત હોવાની ફરિયાદો ધીમે ધીમે સામાન્ય બનતી જાય છે. આથી શહેરીજનોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. નવાઇની વાત તો એ છે કે, જૂના જામનગરમાં નળની પાઇપલાઇન નું નેટવર્ક ૩૦ વર્ષ એટલે કે ત્રણ દાયકા જુનું છે. મતલબ કે, આટલા લાંબા સમયથી પાઇપલાઇન બદલાવામાં આવી નથી. જો કે, જયાં પાઇપલાઇન તૂટે ત્યાં મનપા દ્રારા મરામત એટલે કે થૂંકના સાંધા કરી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં નળ વાટે દૂષિત પાણી આવી રહ્યાની ફરિયાદોનું પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે.
આ સ્થિતિમાં શહેરમાં પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચકયું છે. કારણ કે, શહેરમાં વર્ષ-૨૦૨૫માં જાન્યુઆરીથી ડીસેમ્બર મહીના સુધીમાં ટાઇફોઇડના અધધ..૨૧૧ કેસ મહાનગરપાલીકાના ચોપડે નોંધાયા છે. ટાઇફોઇડ કે જે દૂષિત પાણી પીવાથી થાય છે. ત્યારે શહેરમાં નળ વાટે દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે ગત વર્ષના ટાઇફોઇડના નોંધાયેલા કેસનો આંકડો ચોંકાવનારો છે. કારણ કે, વર્ષ-૨૦૨૫માં દર મહીને સરેરાર ૧૭ ટાઇફોઇડના કેસ નોંધાયા છે. જે શહેરમાં નળ વાટે આવતા દૂષિત પાણી વિતરણની ઉઠેલી થોકબંધ ફરિયાદોના બોલાતા પુરાવા સમાન છે. નવાઇની વાત તો એ છે કે, જામ્યુકોના જવાબદારો શહેરમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર સહીતના સીમેન્ટ-ક્રોકીંટના જંગલો ઉભા કરવામાં સતત વ્યસ્ત છે. પરંતુ સતાધીશો અને અધિકારીઓને જૂના જામનગરમાં કે જયાં ૨૦ થી ૩૦ વર્ષ જૂની નળની પાઇપલાઇન આવેલી હોય અને જેમાંની મોટાભાગની પાઇપલાઇન કાંટ સહીતના કારણે ક્ષતિગ્રસ્ત બનતી હોય આ પાઇપલાઇન બદલવાનું સૂઝતું નથી. આથી જામ્યુકોના જવાબદારોની આ કાર્યપ્રણાલીથી શહેરીજનો રીતસર ભગવાન ભરોસે હોવાની સ્થિતિ પ્રર્વતી રહી છે.
ત્રણ દાયકા જૂની પાઇપલાઇનના નેટવર્કથી દૂષિત પાણી વિતરણની ફરિયાદો અને ટાઇફોઇડના વધતા કેસથી શહેરીજનો જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મૂકાયા છે. નવાઇની વાત તો એ છે કે, તાજેતરમાં ૫ટેલકોલોની વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદોથી ત્રસ્ત રહેવાસીઓ મનપાની કચેરીએ ધસી ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી રોગચાળોએ માઝા મૂકી હોવાની ચોંકાવનારી રજૂઆત કરી હતી. જેના પગલે મહાનગરપાલીકાનું તંત્ર સફાળું જાગ્યું હતું અને રહી રહીને આ અંગે કામગીરી હાથ ધરી હતી.
ત્યારે આ ઘટનાથી નિયમિત સફાઇ, કલોરીનયુકત પાણીનું વિતરણ સહીતના મહાનગરપાલીકાના દાવા તદન પોકળ પુરવાર થયા હતાં. આમ, શહેરના જૂના વિસ્તારોમાં કે જયાં પાઇપલાઇનનું નેટવર્ક ૨૦ થી ૩૦ વર્ષ જૂનું હોય અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન કોઇ પણ સમયે કોઇપણ કારણોસર તૂટવાની ભીતી હોય દૂષિત પાણી ભળશે અને કોઇ જીવલેણ પાણી જન્ય રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ તે સવાલ શહેરીજનોને સતાવી રહ્યો છે અને આ મુદે ચિંતાની લાગણી પણ ફેલાઇ છે.
ટાઇફોઇડ સામાન્ય તાવ નથી, બેકટેરિયાથી થતો એક ગંભીર ચેપ છે, જીવલેણ પણ નીવડી શકે, આ તકેદારી જરી
દૂષિત પાણીથી થતો ટાઇફોઇડ એ માત્ર સામાન્ય તાવ નથી. પરંતુ સાલ્મોનેલા ટાઇફી બેકટેરિયાથી થતો એક ગંભીર ચેપ છે. જો સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ બની શકે છે. સતત વધુ તાવ, પેટમાં દુ:ખાવો, ઝાડા અથવા કબજીયાત, અત્યંત થાક, માથાનો દુ:ખાવો અને ભૂખ ન લાગવી આ રોગના મુખ્ય લક્ષણો છે. આ રોગથી બચવા હંમેશા ઉકાળેલું અને શુઘ્ધ ફીલ્ટર કરેલું ૫ાણી પીવું, જમતા પહેલા અને શૌચાલયના ઉપયોગ પછી સાબુથી હાથ ધોવા, બહારનો ખુલ્લો અને વાસી ખોરાક ટાળો અને ફળ અને શાકભાજીનો ધોઇને ઉપયોગ કરવો ખૂબજ જરૂરી છે. જો ઉપરોકત લક્ષણો જણાય તો તુરંત જ નિષ્ણાંત ડોકટર પાસે તપાસ કરાવવી. અધૂરી સારવારથી રોગ ફરી ઉથલો મારી શકે છે. આથી ડોકટરની સલાહ પ્રમાણે સારવાર પૂર્ણ કરવી.
શહેરમાં ગત વર્ષે કમળાના પણ ૧૫૧ કેસ નોંધાયા, સબનસીબે કોલેરાનો એક પણ કેસ નહીં
દૂષિત પાણી અને ખોરાકના કારણે થતા કમળાના શહેરમાં ગત વર્ષે જાન્યુઆરીથી ડીસેમ્બર મહીના સુધીમાં ૧૫૧ કેસ નોંધાયા હતાં. જેમાં હેપીટાઇટીસ-એના ૧૫૦ અને હેપીટાઇટીસ-ઇ એટલે કે ઝેરી કમળાના એક કેસનો સમાવેશ થાય છે. જો કે, સદનસીબે કોલેરાનો એકપણ કેસ મહાનગરપાલીકાના ચોપડે નોંધાયો નથી. વર્ષ-૨૦૨૫માં જામનગર શહેરમાં ઓકટોબરથી ડીસેમ્બર એટલે કે ત્રણ મહીનામાં ૮૪૭ દર્દીના સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી ૨૯ ટાઇફોઇડના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જયારે ૨૩૬ દર્દીના સેમ્પલની ચકાસણીમાં ૩૬ દર્દીને કમળો હોવાનું નોંધાયું હતું. જો કે ઝેરી કમળા અને કોલેરાનો કોઇ કેસ નોંધાયો નથી.
ભ્રષ્ટાચારની બારી, એક કામ પૂર્ણ થયા બાદ પુન: ખોદકામ, સંકલનના અભાવથી પ્રજાના નાણાંનો વેડફાટ
જામનગરમાં ઘણા વિસ્તારોમાં સીસી રોડ થાય પછી થોડા સમય બાદ પુન: આ માર્ગ ભૂગર્ભ ગટર, નળની પાઇપલાઇન કે અન્ય કામગીરી માટે ખોદવામાં આવે છે. ત્યારે કામગીરીની આ પ્રક્રિયા ભ્રષ્ટાચારીની બારી સમાન બની રહી છે. બીજી બાજુ જે સમયે સીસી રોડ કે અન્ય કામગીરી કરવામાં આવે ત્યારે સંબધિત વિભાગના અધિકારીઓ સાથે મહાનગપાલીકા સંકલન કરતી નથી કે આ સ્થળે આગામી દીવસોમાં અન્ય કામગીરી માટે ખોદકામ કરવાનું છે કે કેમ? તે સવાલ તપાસનો વિષય બન્યો છે. હાલમાં તો સંકલનના અભાવથી પ્રજાના નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે.
ભૂગર્ભ ગટર, ગેસની લાઇન સહીતની કામગીરીના કારણે નળની પાઇપલાઇનમાં ભંગાણ થાય છે
જૂના જામનગરમાં મનપાની નળની પાઇપલાઇનનું નેટવર્ક અંદાજે ૩૦ વર્ષ જૂનું હોવાનું ખુદ મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. આટલું જ નહીં જૂની પાઇપલાઇન સડી જતાં જર્જરિત થઇ જાય છે. આટલું જ નહીં ભૂગર્ભ ગટર, સીવીલ વર્ક, પીજીવીસીએલની વાયરની તથા ગેસ માટેની લાઇનના ખોદકામ દરમ્યાન નળની પાઇપલાઇન તૂટી જાય છે. આથી પણ નળની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળે છે. આટલું જ નહીં દાયકાઓ જૂની પાઇપલાઇન અંદર તૂટી જતાં ભૂગર્ભ ગટર તથા સેફટીના પાણી ભળતા પણ નળ વાટે દૂષિત પાણી આવી શકે છે તેમ મનપાના અધિકારીઅએ જણાવ્યું હતું.