રાજકોટ શહેરના ભોમેશ્વર પ્લોટ વિસ્તારમાં બાબજી એવન્યુ બિલ્ડીંગમાં ચોથા માળે આવેલા ફ્લેટમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ (ઉ.વ. 40) નામના યુવાનની ગઈકાલે એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસ તપાસમાં ફ્લેટમાંથી નોટબુકના પાના પર અબાસ લખેલી સ્યુસાઇડ નોટ જેવી કેટલીક માહિતી મળી આવી હતી. ઉપરાંત પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ પરથી બનાવ આપઘાતનું હોવાનું જણાઇ રહ્યું છે. પરંતુ તેમ છતાં પોલીસે આ અંગે તપાસ યથાવત રાખી છે. યુવાન એકલવાયું જીવન જીવતો હોય જેનાથી નાસીપાસ થઈ આ પગલું ભર્યાનું જણાઈ રહ્યું છે. મૃતકની મોબાઇલની હિસ્ટ્રીમાં આપઘાત એ આપઘાત ન લાગે પણ મર્ડર જેવું ન લાગે તે માટેની તરકીબો અંગે તેણે સર્ચ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.
અબ્બાસના શરીર પર છરીના ઘાના દશેક નિશાન જોવા મળ્યા
પ્રાપ્ત વિગતો મુજબ, ભોમેશ્વર શેરી નંબર આઠમાં બાબજી એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા ફ્લેટમાં એકલા રહેતા અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ (ઉં.વ. 40) ની ગઈકાલે બપોરના ટેરસમાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી. જેથી ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.અબ્બાસના માતા-પિતા હયાત નથી તેની એક બહેન સમીનાબેન તાહીરભાઈ ભગત માધાપર ચોકડી પાસે વોરા સોસાયટીમાં રહે છે. બીજા બહેન મારીયાબેન પુનામાં રહે છે. છેલ્લા ત્રણેક દિવસથી સમીનાબેન અબ્બાસને કોલ કરતા હતા પરંતુ તેનો સંપર્ક થતો ન હતો જેથી ગઈકાલે બપોરે ફ્લેટ પહોંચતા બનાવ સામે આવ્યો હતો. લાશ પાસેથી કિચન નાઇફ પણ મળી આવી હતી અને અબ્બાસના શરીર પર છરીના ઘાના દશેક નિશાન જોવા મળ્યા હતા.
અબ્બાસે 10 થી 12 પેજની સ્યુસાઇડ નોટ લખી હતી
તપાસ આગળ વધતા બનાવ આત્મહત્યાનો હોવાનું તારણ નીકળ્યું હતું. ફ્લેટમાં નોટબુકમાં અબ્બાસે 10 થી 12 પેજની સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં હું હવે ફરી બેઠો નહીં થઈ શકું તેમજ જીવનથી નાસીપાસ થઈ ગયો હોય તેવી વાત જણાવી હતી અને તેણે મિલકત બંને બહેનોને આપી દેવાનું લખ્યું હતું.
સ્યુસાઇડ કઈ રીતે સ્યુસાઇડ ન લાગે તે અંગેના વીડિયો હતા
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પણ એક જ ડાયરેક્શનમાં છરીના ઘા જે રીતે ઝીંકાયા છે તેના પરથી બનાવ આપઘાતનો જ હોવાનું જણાઇ રહ્યું છે. એટલું જ નહીં યુવાનના મોબાઇલની સર્ચ હિસ્ટ્રીમાં જોતા તેણે વીડિયો જોયા છે તે સ્યુસાઇડ કઈ રીતે સ્યુસાઇડ ન લાગે તે અંગેના વિડીયો હતા. ટૂંકમાં તેણે પોતાનો આપઘાત ખરેખર આપઘાત ન લાગે અને હત્યાનો બનાવ લાગે તે પ્રકારના વિડીયો જોયા છે તેની પાછળનું કારણ એવું જણાય છે કે, કદાચ ધાર્મિક દ્રષ્ટિએ સ્યુસાઇડ પાપ ગણાતું હોવાથી આ પ્રકારના વિડીયો જોયા હશે. જેથી આ તમામ સંજોગો પરથી બનાવ આપઘાતનો હોવાનું તારણ નીકળ્યું છે. પરંતુ તેમ છતાં પોલીસે આ મામલે તપાસ યથાવત રાખી હોવાનું પીઆઇએ જણાવ્યું હતું.