જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલા કારખાનામાંથી રૂપિયા 1.40 લાખની ચોરીના બનાવનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ચોરીમાં હાલ મોરબીમાં રહેતા મૂળ ટંકારાના રામપરના દેવીપૂજક બંધુને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા 90,000 બાઇક સહિત કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઇ તા. 2/11 ના રાત્રિના સમયે જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલા રાજાની ચા નામના કારખાનામાં ઓફિસના ટેબલના ખાનાના લોક તોડી રોકડ રૂપિયા 1.40 લાખની ચોરી કર્યા અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હોય જેના અનુસંધાને ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ આર.વી. ભીમાણી તથા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, અરવિંદસિંહ જાડેજાને હ્યુમન સોર્સીસ તથા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનો બાઈક નંબર જીજે13 બીએ 1278 મળી ગયો હતો. આ અંગે તપાસ હાથ ધરી બે શંકાસ્પદ શખસોને ઝડપી લીધા હતા. જેના નામ અંકિત મહાદેવભાઇ ઉર્ફે કુમારભાઈ વિકાણી અને રાહુલ મહાદેવભાઇ ઉર્ફે કુમારભાઈ વિકાણી (રહે. બંને મોરબી લીલાપર રોડ આવાસ યોજના કવાર્ટર, મૂળ રામપર, ટંકારા) હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે આ બેલડીની સઘન પૂછતાછ કરતા તેમણે રાજાણી ચા કારખાનામાં થયેલી ચોરીની કબુલાત આપી હતી. પોલીસે આ બેલડી પાસેથી રોકડ રૂપિયા 90,000, ડિસમિસ, બે મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં અંકિત વિકાણી સામે અગાઉ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન, જામનગરના જોડીયા અને ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી, વાહન ચોરી સહિતના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે.
ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવાની કામગીરીમાં એલસીબીના એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બડકોદીયા, જયવીરસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, અરવિંદસિંહ જાડેજા, દિવ્યેશભાઈ સુવા, વાઘાભાઈ આલ, કૌશિકભાઇ જોશી તથા કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા, મીરલભાઈ ચંદ્રવાડીયા અને અબ્દુલભાઈ શેખ સાથે રહ્યા હતા.