BREAKING NEWS

પોપટપરામાં ધોળા દિવસે એક કલાકમાં ત્રણ મકાનને નિશાન બનાવી રૂ.૯૮,૫૦૦ ની ચોરી

  • November 13, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના પોપટપરા વિસ્તારમાં ધોળા દિવસે બપોરના સમયે માત્ર એક કલાકમાં તસ્કરે એક બાદ એક ત્રણ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ.૯૮,૫૦૦ ની મત્તા ઉસેડી લીધી હતી. જે અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી ચોરીના બનાવને અંજામ આપનાર શખસને સકંજામાં લઇ લીધો હતો. આરોપી પાસેથી મુદામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોપટપરામાં કૃષ્ણનગર શેરી નં. ૫ માં રહેતા સલમાબેન સિકંદરભાઇ રફાઇ(ઉ.વ. ૨૯) નામના મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે. પતિનું નામ સિકંદરભાઈ છે.


ગઇકાલે બપોરના બારેક વાગ્યાની આસપાસ ફરિયાદી ઘરવખરીનો સામાન લેવા બજારમા ગયા હતાં.ત્યારે મારા મકાનમા તાળુ માર્યું હતુ. બજારમાથી ખરીદી કરી આશરે બપોરના ત્રણેક વાગ્યે ઘરે પરત આવતા જોયુ તો મારા ઘરમા તાળુ લાગેલ ન હતુ અને આકળી મારેલ હતી અને દરવાજો ખોલી ઘરની અંદર જતા ઘરના દરવાજા પાસે રાખેલ સુટકેશ ખુલ્લી પડી હતી અને તે સુટકેશમા રાખેલ સોનાની બુટ્ટીનુ બોક્ષ ખુલ્લુ હતુ જેમા સોનાની કાનની બુટ્ટી જોડી એક નંગ બે આશરે વજન ૧૦ ગ્રામ જેની કિંમત આશરે રૂપીયા ૪૯,૦૦૦ વાળી જોવા મળી ન હતી તથા સુટકેશમા રાખેલ કપડા સુટકેશ બહાર નિચે આડા અવળા પડયા હતા આજુબાજુ ઘર વખરીનો સામાન વેર વિખેલ પડેલ હતો તથા કબાટ ખુલ્લો હતો અને કબાટની અંદર તીજોરી ખુલ્લી હતી અને કબાટની અંદર રાખેલા કપડા આડા અવળા પડયા હતા.


બાદમાં આ બાબતે પતિ સિકંદરભાઈને ફોન કરીને ઘરમા થયેલી ચોરીની વાત કરતા મારા પતિએ કહ્યું હતું કે, હું બપોરે બે વાગ્યે જમીને ઘરને તાળુ મારીને કામે ગયો હતો. બાદમાં પતિ ઘરે આવ્યો હતો ત્યારે માલુમ પડયું હતું કે, બાજુમા પણ ચોરી થયેલ છે. જેમા નિતુબેન નિરૂભાઈ સોલંકીના ઘરમાથી પણ સોના-ચાંદીના દાગીના કિંમત આશરે રૂપીયા ૧૯,૫૦૦ અને રોકડા રૂપીયા ૮૫૦૦ ની ચોરી થઇ હતી. જયારે મુમતાજબેન અબ્દુલકરીમ રાઠોડના મકાનમાંથી સોના ચાંદીના દાગીના કિંમત આશરે રૂપીયા ૧૮,૫૦૦ અને રોકડા રૂપીયા ૩૦૦૦ ની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આમ બપોરના સમયે માત્ર એક કલાકના સમયગાળામાં ત્રણ મકાનને નિશાન બનાવી રૂ.૯૮,૫૦૦ ની મત્તા ચોરી થયા અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ચોરીના આ બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.બી.રાણીંગા તથા સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચોરી કરનાર યુપીના શુભમ પટેલને ઝડપી લીધો હતો. નશાનો બંધાણી આ શખસ અગાઉ રાજકોટમાં સેન્ટરીંગ કામ કરતો હોય તક મળતા તેણે અહીં ધોળા દિવસે ત્રણ મકાનની નિશાન બનાવ્યાનું માલુમ પડ્યું હતું. આરોપી પાસેથી મુદામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application