#aajkaal team
હાલ દિવાળીના તહેવારોમાં લોકો બહાર ફરવા નીકળી ગયા છે, જયારે કેટલાક લોકો પોતાના સગા વહાલાના ઘરે નવા વર્ષ નિમિતે મળવા જતા હોય છે. આ તકનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. આવો જ એક બનાવ રાજકોટના મવડી વિસ્તારમાં બન્યો છે.
મળતી માહિતી મુજબ મવડી ગામમાં અવધ રેસીડેન્ટ પાસે બંધ મકાનમાંથી 23 તોલા જેટલું સોનુ અને બે લાખ રોકડની ચોરી થતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મકાન માલિક અશોકભાઈ મેઘાણી પરિવાર સાથે બહારગામ દીકરીના ઘરે ગયા હતા અને પાછળથી બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તાળા તોડી ઘરમાં ઘુસ્યા હતા. ઘરમાં રહેલી તિજોરીમાંથી 23 તોલા સાનુ અને 2 લાખ રોકડ ચોરી પલાયન થઇ ગયા હતા. પરિવાર ઘરે પરત ફર્યો તો ઘરનો લોક તૂટેલો જોવા મળતા ચોરી થયાની શંકા ગઈ અને અંદર જતા બધુ વેરવિખેર જોવા મળ્યું હતું.
પરિવારે જોયું તો તિજોરીમાંથી 23 તોલા સોનુ અને 2 લાખ રોકડ જોવા ન મળતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી હતી.
ઘરની મહિલાએ જણાવ્યું હતું કે, અમે રાતે 9.30 વાગે મારી દીકરીના ઘરે મોટા વડાળા ગમે ગયા હતા. 10 વાગે પાછા આવ્યા ત્યારે ઘરના દરવાજામાં ચાવી ભરાવી તો દરવાજો ખુલો જોવા મળ્યો એટલે અમને થયું કે ઘરમાં ચોરી થઇ છે. ઘરમાં જોયું તો બધું વેરવિખેર પડ્યું હતું.