આટકોટની સીમા ગુંદાળા રોડ પર આવેલી વાડીમાંથી આટકોટમાં રહેતા બે શખસો રૂપિયા 7,000 ની કિંમતના મગફળીના પાથરા ચોરી કરી ગયા હતા. જે અંગે ખેડૂત દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આટકોટમાં ગ્રામ પંચાયતની પાછળ રહેતા લાલજીભાઈ ભીખાભાઈ હિરપરા (ઉ.વ 38) દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આટકોટમાં જ રહેતા જાની સાઢમિયા અને રવિ સાઢમીયાના નામ આપ્યા છે. લાલજીભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે સવારના પાંચેક વાગ્યા આસપાસ તે તથા તેમના પિતા ઘરે હતા ત્યારે વાડીએ કામ કરનાર મજુર જુવાનસિંહ ગાડરીયાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, આપણી વાડીએ મગફળીના પાથરા પડ્યા હોય જેમાંથી આશરે બે ક્યારાની મગફળીના પાથરા કોઈ ચોરી કરી ગયું છે. જેથી લાલજીભાઈ તથા તેમના પિતા બંને ગુંદાળા રોડ પર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલ પોતાની વાડીએ ગયા હતા. અહીં આવી જોતા વાડીમાંથી બે ક્યારે મગફળીના પાથરા જોવામાં આવ્યા ન હતા. જેની કિંમત આશરે રૂપિયા 7000 હોય તે કોઈ ચોરી થઇ ગયાનું માલુમ પડ્યું હતું.
આજુબાજુમાં તપાસ કરતા મગફળીના છોડવા રસ્તામાં વેરાયેલ હોય જેથી તેના આધારે તપાસ કરતા મગફળીના પાથરા જાની સાઢમીયા તથા રવિ સાઢમીયા (રહે. આટકોટ)ના ઘરે પડ્યા હોય જેથી આ બંને અહીં વાડીએથી મગફળી ચોરી કરી ગયાનું માલુમ પડ્યું હતું. બાદમાં ખેડૂતે આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં આ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. ધ્રાંગીયા ચલાવી રહ્યા છે.