શિયાળાની સિઝનમાં લોકો ઠંડીની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો દિવસો દિવસ ઉંચે ચડતો જાય છે અને ઠંડી માત્ર સમ ખાવા પૂરતી રહી ગઈ હોય તેવું લાગે છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ હજુ બે દિવસ આવું જ વાતાવરણ રહેશે અને ત્યાર પછી લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.
સવારે ભેજવાળા વાતાવરણના કારણે થોડીક રાહત રહે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે મહત્તમ તાપમાનનો પારો ઉચે ચડતો જાય છે. ગઈકાલે બુધવારે સુરતમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી રહેવા પામ્યું હતું જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું હતું. રાજકોટમાં ગઈકાલે 31.3, ડાંગમાં 31.7, અમરેલીમાં 31.5, વડોદરામાં 31.2 અને ભુજમાં ૩૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો રાજકોટમાં 14.8, નલિયામાં 10.1, અમરેલીમાં 14.6, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, ડીસામાં 15.3, દ્વારકામાં 17.8, ગાંધીનગરમાં 16, કંડલામાં 16.5, ઓખામાં 19, પોરબંદરમાં 16, વેરાવળમાં 18 અને સુરતમાં 17.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગિરનાર પર્વત ઉપર આજનું લઘુતમ તાપમાન 8.9 ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 13.9 અને ભવનાથ તળેટીમાં 11.9 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું છે.
ત્રણ ત્રણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરના કારણે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થયો છે અને અમુક રાજ્યોમાં તો હિમવર્ષા પણ ચાલુ થઈ ગઈ છે. આ ઉપરાંત ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન નિકોબાર ટાપુ તામિલનાડુ પુડીચેરી કેરલામાં તોફાની પવન સાથે વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ કશ્મીર લદાખ દિલ્હી પંજાબ જેવા રાજ્યોમાં તો પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યારે ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 26 ના રોજ ઉદ્ભવશે અને તેના કારણે વરસાદ અને હિમવર્ષાનો સ્પેલ લાંબો ચાલે તેવું જણાય છે.
દક્ષિણના રાજ્યોમાં ચોમાસુ તેના અંતિમ તબક્કામાં આવી ગયું હતું પરંતુ અરબી સમુદ્રમાં સાઉથ ઈસ્ટ દિશામાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી માત્ર 0.9 કિલોમીટરની ઊંચાઈ પર જોવા મળ્યું છે અને તેના કારણે તમિલનાડુ કેરલા નીકોબારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને પણ અરબી સમુદ્રમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.