પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં બંધ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓ લગભગ 845 દિવસથી જેલના સળિયા પાછળ છે. તેમના પરિવારને તેમને મળવાની મંજૂરી નથી, કે પીટીઆઈના કોઈપણ નેતાઓને તેમને મળવાની મંજૂરી નથી. આ દરમિયાન,બ્રિટનમાં રહેતા ઈમરાનના પુત્ર કાસિમ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ઇમરાન ખાનને છેલ્લા છ અઠવાડિયાથી એવી જગ્યાએ રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને કોઈનો સંપર્ક કરવાની મંજૂરી નથી અને તેમના પરિવારને જાણ કરવામાં આવી રહી નથી. તેમણે લખ્યું કે તેમની પાસે તેમના પિતા જીવિત હોવાનો કોઈ પુરાવો નથી. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં તોફાન મચી જવા પામ્યું છે. અહી જણાવી દઈએ કે કાસિમ અને તેનો ભાઈ સામાન્ય રીતે રાજકારણથી દૂર રહે છે, પરંતુ આ વખતે પરિસ્થિતિઓએ તેમને ખુલ્લેઆમ આગળ આવવા મજબૂર કર્યા.
કાસીમના નિવેદનના પગલે પાકિસ્તાનની અદિયાલા જેલની બહાર મોડી રાતે હોબાળો મચી ગયો હતો. કાસિમ ખાનનો સંદેશ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ દેશના ઘણા ભાગોમાં અશાંતિ ફેલાઈ જવા પામી હતી.બીજી તરફ સાચી પરિસ્થિતિ શું છે તે બહાર લાવવા ઇમરાન જ્યાં કેદ છે તે અદિયાલા જેલની બહાર ખૈબર પખ્તુનખ્વાના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ ધરણા કરી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો.
ઈમરાનને છુપાવવાના પ્રયાસ
કાસિમ કહે છે કે આ પરિસ્થિતિ સુરક્ષાના પગલાં નથી પરંતુ તેમના પિતાને સંપૂર્ણપણે અલગ કરવાની ઇરાદાપૂર્વકની યોજના છે. તેમનો આરોપ છે કે કોર્ટના આદેશો છતાં, બહેનોને વારંવાર જેલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વકીલોને પણ જેલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર મામલાની આસપાસના રહસ્યમાં વધારો થયો છે.મારા પિતાને છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.કાસિમે સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો અને વિશ્વભરની લોકશાહી સરકારોને અપીલ કરી છે કે તેઓ પાકિસ્તાન પર ઈમરાન ખાનની સાચી સ્થિતિ જાહેર કરવા દબાણ કરે. તેમનું કહેવું છે કે જો ઈમરાન ખાન સાથે કંઈ પણ અપ્રિય ઘટના બને છે, તો પાકિસ્તાન સરકાર સીધી જવાબદાર રહેશે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રીનું નાટક
પાકિસ્તાનના રાવલપિંડીમાં અદિયાલા જેલની બહાર મધ્યરાત્રિએ હાઈ-વોલ્ટેજ ડ્રામા થયો હતો.ખૈબર પખ્તુનખ્વાના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી અદિયાલા જેલની બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ઈમરાન ખાન સાથે મુલાકાતની માંગ કરવામાં આવી રહી છે. આફ્રિદીના મતે, તેઓ આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરી રહ્યા છે જેથી આંતરરાષ્ટ્રીય મીડિયા જોઈ શકે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના આદેશોનું ઉલ્લંઘન કરીને, એક મુખ્યમંત્રીને ઇમરાન ખાન સાથે કેવી રીતે મુલાકાત લેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ સરકારનું વલણ સંપૂર્ણપણે વિરુદ્ધ છે. જેલ પ્રશાસને જાહેર કર્યું કે ઇમરાન ખાનને હેરાન કરવામાં આવી રહ્યા નથી. તેમના મતે, ઇમરાન ખાનને જેલમાં એવી સુવિધાઓ મળી રહી છે જે કોઈપણ સામાન્ય કેદીને મળતી નથી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને તો એમ પણ કહ્યું કે ઇમરાન ખાનને ખાસ ભોજન, જીમ સુવિધાઓ અને આરામદાયક રહેવાની વ્યવસ્થા આપવામાં આવી છે. જો કે લાંબા તણાવ પછી, જેલ પ્રશાસને ખાતરી આપી હતી કે ઇમરાન ખાનની બહેન, અલીમા ખાન અને પરિવારના અન્ય સભ્યોને તેમને મળવા દેવામાં આવશે. આ પછી, વિરોધ કંઈક અંશે શાંત થયો, અને હવે બધાની નજર આ મુલાકાત પર કેન્દ્રિત છે.