ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાંથી જો ભાણવડના ધારાસભ્ય મુળુભાઈ બેરાને રિપિટ નહીં કરાય તો રાજકોટના ધારાસભ્ય અને આહિર સમાજના યુવા નેતા ઉદય કાનગડનો મંત્રી મંડળમાં સમાવેશ થશે તેવી વાત હતી પરંતુ મુળુભાઇ બેરાની બાદબાકી બાદ આહિર સમાજમાંથી કચ્છના અંજારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાનો સમાવેશ કરાયો છે તેથી ઉદય કાનગડની બાદબાકી થઇ છે.
શું કામ પત્તું કપાયું?
આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી મંડળમાંથી પડતા મુકાયા તો તેમની સામે અન્ય ધારાસભ્યને મંત્રી પદ અપાતા સોશિયલ એન્જિનિયરિંગ બેલેન્સ થયું છે. સીઆર પાટીલની ખુબ નજીક હોવાને કારણે કાનગડનું પત્તું કપાયું હોવાની ચર્ચા છે અને તેમને બહાનું બતાવી શકાય તે માટે છાંગાને આહીર તરીકે મંત્રીપદ આપવામાં આવ્યું છે. અલબત્ત એક વર્ગ એવું પણ માને છે કે ઉદય કાનગડને પ્રદેશ સંગઠન માટે રિઝર્વ રખાયા છે અને આગામી દિવસોમાં તેમણે પ્રદેશ ભાજપના નવા માળખામાં મહત્વપૂર્ણ સ્થાન અપાશે, જ્યારે એક વર્ગનો તર્ક એવો છે કે ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવતા હોય હવે મહામંત્રી કે અન્ય કોઇ પદ મહત્વપૂર્ણ પદ ઉપર ઉદય કાનગડ કે અન્ય કોઈ પણ ઓબીસી નેતાને સ્થાન મળે તેવી શક્યતા ખુબ ઓછી છે.
ત્રિકમ છાંગા કરતા ઉદય કાનગડ વધુ મજબૂત દાવેદાર હતા
ત્રિકમ છાંગા કરતા ઉદય કાનગડ વધુ મજબૂત દાવેદાર હતા છતાં ભારે ખેંચતાણ અને લોબિંગના અંતે ત્રિકમ છાંગાને મંત્રી પદ અપાયું છે. ઉદય કાનગડ પ્રદેશ ભાજપમાં ચાલતા જૂથવાદનો ભોગ બન્યાની પણ કાર્યકરોમાં ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application