આજથી એટલે કે 1 માર્ચ 2026, રવિવારથી દેશમાં પાંચ મોટા ફેરફારો લાગુ થઈ ગયા છે. આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરના ભાવથી લઈને રેલવે ટિકિટિંગ અને સોશિયલ મીડિયાના સુરક્ષા નિયમોનો સમાવેશ થાય છે. સામાન્ય જનતાના ખિસ્સા અને સુરક્ષા બંને પર તેની સીધી અસર જોવા મળશે.
1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિનાના પહેલા જ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડર (19 કિલો)ની કિંમતોમાં ₹31 સુધીનો વધારો ઝીંક્યો છે.
દિલ્હી: કિંમત ₹28 વધીને હવે ₹1768.50 થઈ છે.
કોલકાતા: અહીં સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યાં નવો ભાવ ₹1875.50 થયો છે.
આ વધારાની અસર હોટલ અને રેસ્ટોરન્ટના જમવા પર પડી શકે છે, જોકે ઘરેલું ગેસ (14.2 કિલો)ના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
2. વોટ્સએપ અને ટેલિગ્રામ માટે 'સિમ-બાઈન્ડિંગ' નિયમ
સાયબર ક્રાઈમ રોકવા માટે સરકાર દ્વારા આજથી કડક 'સિમ-બાઈન્ડિંગ' નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
નવો નિયમ: હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ માત્ર ત્યારે જ ચાલશે જો તમારા ફોનમાં તે જ સિમ કાર્ડ એક્ટિવ હોય જેના પર એકાઉન્ટ બનેલું છે.
લોગઆઉટની સુવિધા: જો તમે ફોનમાંથી સિમ કાઢી નાખશો, તો એપ આપમેળે લોગઆઉટ થઈ જશે.
ડેસ્કટોપ યુઝર્સ: કમ્પ્યુટર પર લોગિન કરેલું વોટ્સએપ હવે અઠવાડિયા સુધી નહીં, પણ માત્ર 6 કલાકમાં આપમેળે લોગઆઉટ થઈ જશે. આ પગલું Wi-Fi દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે લેવાયું છે.
3. રેલવેની UTS એપ બંધ, હવે 'RailOne'નો યુગ
રેલવે મુસાફરો માટે આજથી મોટી અપડેટ છે. જૂની UTS એપ હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તેના સ્થાને નવી 'RailOne' એપનો ઉપયોગ કરવાનો રહેશે.
વોલેટ બેલેન્સ: જો તમારા જૂના R-Wallet માં પૈસા જમા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે RailOne એપમાં એ જ જૂના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરશો, તો તમારું બેલેન્સ આપમેળે ટ્રાન્સફર થઈ જશે.
સુવિધાઓ: RailOne એપ પર જનરલ ટિકિટ બુકિંગ પર 3% ડિસ્કાઉન્ટ, લાઈવ ટ્રેન ટ્રેકિંગ અને કુલી કે ટેક્સી બુકિંગ જેવી સુવિધાઓ એકસાથે મળશે.
4. હવાઈ મુસાફરી થશે મોંઘી
હવાઈ ઇંધણ (ATF)ની કિંમતોમાં અંદાજે ₹5,500 પ્રતિ કિલોલીટરનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
ચેન્નઈમાં ATF ના ભાવ ₹1,00,280 પ્રતિ કિલોલીટર પર પહોંચી ગયા છે. ઇંધણના ભાવ વધતા આગામી દિવસોમાં એરલાઇન્સ કંપનીઓ ટિકિટના દરમાં વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
5. UPI ટ્રાન્જેક્શનમાં વધુ સુરક્ષા (બાયોમેટ્રિક્સ)
મોટી રકમના ઓનલાઈન ટ્રાન્સફર માટે હવે માત્ર UPI PIN પૂરતો નહીં હોય. 1 માર્ચથી બેંકોએ હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કર્યું છે.
હવે મોટી રકમ મોકલતી વખતે તમારે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ-આઈડી (Biometrics) આપવું પડશે. આ નિયમ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે લાવવામાં આવ્યો છે.