શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે સોડા બોટલના ઘા કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો. જે ઘટનાને લઇ પોલીસના અસ્તિત્વ સામે સવાલો ખડા થયા હતા. આ ગંભીર ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જેમને ગઈકાલે અલગ અલગ વિસ્તારમાં દોરડા બાંધી લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓએ પોલીસ અમારા દાદા છે, તેવું કહી હાથ જોડી માફી માંગી હતી.
શુક્રવારે રાત્રીના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે બાઈક પર આવેલા બુકાનીધારી શખસોએ સોડા બોટલના ઘા કર્યા હતા. આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. ખુદ પોલીસ જ અસલામત હોય તેવો ગણગણાટ શરૂ થયો હતો ત્યારે આ ગંભીર ઘટનાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઈ દ્વારા આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવાની આપેલી સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ વી.ડી.રાવલીયા અને ટીમે આરોપી અજય ઉર્ફે સદામ બીપીન મહેતા (ઉ.વ.૨૬, રહે.બાપા સીતારામ ગૌશાળા પાસે. ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે), વિશાલ રાજુ ગોહીલ (ઉ.વ.૨૧, રહે.૧૫૦ રીંગ રોડ શીતલ પાર્ક હોલીમલ રેડીમલ સ્કુલ પાસે, યોગરાજનગર, મ.પરા મનહરપુર-૨), જેનીશ ઉર્ફે માજન હર્ષદ માંડલીયા (ઉ.વ.૨૦, રહે.સુન્દરમ શીલ્પ એપાર્ટમેન્ટ બી વિંગ બ્લોક નં.૩૦૨, સીનર્જી હોસ્પીટલ પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ), જય પ્રભાત ખાંભરા (ઉ.વ.૨૦, રહે.પંચશીલ સોસાયટી શેરી નં.૧૧) અને કરણ રાજુ પરમાર (ઉ.વ.૨૪ રહે પરાસર પાર્ક શેરી નં.૦૨, જામનગર રોડ) ને પકડી પાડી ચાર મોબાઈલ, એક બાઈક અને એક થાર કાર મળી કુલ રૂ.૧૦.૮૦ લાખનો મુદામલ કબ્જે કર્યો હતો.
આરોપીઓ પકડાયા બાદ તેને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા પાસે ક્રાઇમ બ્રાંચ લઇ જવામાં આવ્યા હતાં. જયાં ડીસીપીએ આરોપીઓની કલાકો સુધી આકરી સરભરા કરી હતી. બાદમાં ગાંધીગ્રામ પોલીસ મથકના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ દોરડા બાંધી રિ-કન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. તેઓએ પોલીસ અમારા દાદા છે તેવું કહી હાથ જોડી માફી પણ માંગી હતી. ઝડપાયેલા આ તમામ આરોપીઓ ગુનાહિત ભુતકાળ ધરાવતા હોવાનું અને અગાઉ એક કરતા વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીના ઘરે પોલીસ તપાસ માટે જતા ઉશ્કેરાઇને બોટલના ઘા કર્યા’તા
પોલીસ સ્ટેશન પર સોડા- બોટલના ઘા કરવાના આ બનાવમાં પકડવાનો બાકી આરોપી રાજ પ્રફુલ ચૌહાણ (રહે. અયોધ્યા ચોક) ના ઘરે પોલીસ તપાસમાં જતાં તે ઉશ્કેરાયો હતો અને અન્ય સાથીદારોને દારૂ પીવડાવી ગુનાને અંજામ આપ્યો હતો.