BREAKING NEWS

ભાઈ બહેનના પવિત્ર સંબંધને સમર્પિત છે આ મંદિર

  • November 11, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાઈબીજ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, લાગણી અને વિશ્વાસનો પવિત્ર તહેવાર છે. હિન્દુ પંચાંગ મુજબ કારતક સુદ બીજના દિવસે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળે તિલક કરીને તેનું મોં મીઠું કરાવે છે અને તેના સુખી જીવન, સમૃદ્ધિ તથા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનની રક્ષા અને ખુશીનું વચન આપે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, ભાઈબીજના દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા તેમના ઘરે ગયા હતા. યમુનાજીએ ભાઈનું તિલક કરીને સ્વાગત કર્યું હતું. ત્યારથી ભાઈબીજની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ પર્વ સાથે જોડાયેલાં કેટલાંક ધાર્મિક સ્થળો પણ છે, જ્યાં ભાઈ-બહેન સાથે જઈને પૂજા અને દર્શન કરે છે. આવાં બે ખાસ સ્થળો વિશે જાણીએ.

1. યમુના ધર્મરાજ મંદિર, મથુરા

ઉત્તર પ્રદેશના મથુરામાં વિશ્રામ ઘાટ પાસે આવેલું યમુના ધર્મરાજ મંદિર ભાઈ-બહેનના સંબંધને સમર્પિત પ્રાચીન ધાર્મિક સ્થળ છે. આ મંદિરમાં યમરાજ અને તેમની બહેન યમુના માતાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, યમરાજ અને યમુના ભગવાન સૂર્યનાં સંતાન છે.

કહેવાય છે કે ભાઈબીજના દિવસે ભાઈ અને બહેન યમુના નદીમાં સાથે સ્નાન કરીને મંદિરમાં દર્શન કરે તો તેમના સંબંધમાં પ્રેમ અને સ્નેહ જળવાઈ રહે છે. સાથે જ ભાઈને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે. ખાસ કરીને રક્ષાબંધન અને ભાઈબીજના પર્વ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે.

2. ભૈયા-બહિની મંદિર, સિવાન

બિહારના સિવાન જિલ્લાના મહારાજગંજ-દરૌંડા વિસ્તારમાં આવેલા ભીખાબંધ ગામમાં ભૈયા-બહિની મંદિર આવેલું છે. આશરે 500 વર્ષ જૂનું હોવાનું કહેવાતું આ મંદિર ભાઈ-બહેનના પ્રેમ અને એકબીજા પ્રત્યેની લાગણીનું પ્રતીક માનવામાં આવે છે. અહીં બહેનો પોતાના ભાઈની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરવા આવે છે.
​​​​​​​
આ મંદિરની વિશેષતા એ છે કે અહીં કોઈ મૂર્તિ કે તસવીરની પૂજા કરવામાં આવતી નથી. ભાઈ-બહેનો મંદિરની બહાર આવેલા માટીના પિંડ અને વડનાં વૃક્ષોની પૂજા કરે છે. સ્થાનિક દંતકથા મુજબ, આ સ્થળે એક ભાઈ અને બહેને સમાધિ લીધી હતી. તેમની યાદમાં અહીં બે વિશાળ વડનાં વૃક્ષો ઊભાં છે. આ વૃક્ષોનાં મૂળનો કોઈ અંત નથી એવી પણ લોકમાન્યતા છે.
આ બંને સ્થળો ભાઈબીજના પર્વને ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ બનાવે છે. ભાઈ-બહેન સાથે મળીને અહીં દર્શન અને પૂજા કરીને પોતાના સંબંધની મજબૂતી તથા એકબીજાના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application