BREAKING NEWS

પોલીસ અમારા દાદા છે...પોલીસ સ્ટેશન પર સોડાની બોટલો ફેંકનારાને કૂકડા બનાવી રસ્તા પર ચલાવ્યા, વરઘોડો જોવા લોકો ટોળે વળ્યા, જુઓ તસવીરો

  • January 19, 2026 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં લુખ્ખા તત્વોના આતંક સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર લુખ્ખાઓએ સોડા બોટલના ઘા કરી કાયદા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા હતા. આ ઘટનાથી પોલીસની શાખ પર દાગ લાગ્યો હતો. જોકે આ લુખ્ખાઓને પકડી પાડી પોલીસે ગઈકાલે રાજકોટની બજારમાં દોરડાથી બાંધી વરઘોડો કાઢ્યો હતો. જેને જોવા માટે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. આરોપીઓએ જાહેરમાં બે હાથ જોડી માફી માંગી હતી અને કહી રહ્યા હતા કે, પોલીસ અમારા દાદા છે. અમે આવું કર્યું બીજા કોઈ આવું ન કરતા. તેમજ જાહેર રસ્તા પર આરોપીઓને કૂકડા બનાવી લંગડાતા ચલાવ્યા હતા.


મળતી માહિતી મુજબ, શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક પર 16 જાન્યુઆરીના રાત્રે 10:30 વાગ્યે અજાણ્યા શખસો દ્વારા સોડાની બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જેનાથી પોલીસની આબરૂના લીરેલીરા ઉડી ગયા હતા. જોકે, આ ઘટના બાદ તુરંત જ ગાંધીગ્રામ પોલીસે CCTVના આધારે કુખ્યાત બુટલેગર હર્ષદ માંડલીયા ઉર્ફે મહાજનના પુત્ર જેનીશ માંડલિયા અને તેની સાથેના ચાર સાગરીતો દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.


દીવથી આરોપીઓને ઝડપી લેવાયા

આ મામલે ગાંધીગ્રામ પોલીસે ક્રાઈમ રજિસ્ટર નં. 39/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 125, 3(5), 62 તથા જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 1984ની કલમ 3(2)(e) મુજબ ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ માહિતી મળતાં દીવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દીવ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી અને સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. 35/2025 મુજબ આલીશાન હોટલ સામેના પાર્કિંગ વિસ્તારમાં મહિન્દ્રા થાર વાહન (GJ-03-PJ-0022) સાથે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા. તેમને અટકાયત કરી દીવ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી હતી.


પોલીસે આરોપીઓને કૂકડા બનાવી રસ્તા પર ચલાવ્યા હતા

જેથી, પોલીસે તુરંત જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આજે રવિવારે સાંજે તેમનું એસ.કે. ચોક પાસે દોરડા બાંધી રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલા પોલીસ આરોપીઓને દોરડા સાથે બાંધી ચાલતી દેખાઈ હતી. જે દરમિયાન આરોપીઓને પોલીસે ખૂબ જ માર્યા હોય તેમ તેઓ લંગડાતા પગે ચાલતા હતા. જે બાદ આરોપીઓને કૂકડા બનાવી રસ્તા પર ચલાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application