BREAKING NEWS

આર્મી જવાનની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, પરિવારનું હૈયાફાટ રૂદન, ગુજરાતનું આ ગામ શોકમાં ડૂબ્યું

  • November 05, 2025 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના આર્મી જવાન ફરજ પરથી પોતાની ઘરે આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના બિકાનેરમાં ચાલુ ટ્રેનમાં તેમની હત્યા થઈ હતી. આર્મી જવાને કોચ એટેન્ડેન્ટ પાસે ચાદર માગી હતી ત્યારે મામલો બિચક્યો હતો અને કોચ એટેન્ડેન્ટ છરીના ઘા મારી જવાનની હત્યા કરી નાખી હતી. આજે જવાનનો પાર્થિવ દેહ વતન આવતા જ આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું. જવાનની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જવાનના પરિવારે હૈયાફાટ રૂદન કરતા સૌ કોઈની આંખો ભીની થઈ હતી.  


પ્રાપ્ત વિગત મુજબ, બનાસકાંઠા જિલ્લાના વડગામના ગીડાસણ ગામના વતની અને છેલ્લાં 12 વર્ષથી ભારતીય સૈન્યમાં મા ભોમની રક્ષા કાજે ફરજ અદા કરી રહેલા જિજ્ઞેશભાઈ ચૌધરી તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા. રવિવારે તેમને રજા મળ્યા બાદ તેઓ ફિરોઝપુર કેન્ટથી જમ્મુ તાવી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન મુસાફરીમાં જવાન જિજ્ઞેશભાઈ ચૌધરીને ટ્રેનના કોચ એટેન્ડન્ટ જુબેર મેમણ સાથે ચાદર માગવાની બાબતને લઈ તકરાર થઈ હતી. એ બાદ મોડીરાત્રે ટ્રેન લૂકરનસરથી રવાના થઈ એ દરમિયાન કોચ એટેન્ડન્ટ ઝુબેર છરી સાથે ટ્રેનમાં પહોંચ્યો હતો અને સેનાના જવાન જિજ્ઞેશભાઈ ચૌધરી સાથે તકરાર કરી છરી કાઢી તેમના પર હુમલો કર્યો હતો. છરીના ઘાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જવાન જિજ્ઞેશ​​​​​​​ભાઈએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ જીઆરપી અને આરપીએફને થતાં સૈન્યના જવાનની હત્યા કરવા મામલે જીઆરપી અને આરપીએફએ કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણની અટકાયત કરી લીધી હતી.


અંતિમયાત્રામાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ 

આ બાદ શહીદ જવાનના પાર્થિવદેહને પીએમ અર્થે પીબીએમ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાથી જિજ્ઞેશભાઈનાં પરિવારજનો પાર્થિવદેહને લેવા પીબીએમ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. આજે વહેલી સવારે શહીદ જવાન જિજ્ઞેશ​​​​​​​ભાઈ ચૌધરીના પાર્થિવદેહને માદરે વતન મોટી ગીડાસણ ગામે લાવવામાં આવ્યો હતો. છાપીથી મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઇ હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. શહીદ જવાનની અંતિમયાત્રામાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ પંથકમાં છવાયો હતો. પરિવારજનોના આક્રંદથી હાજર સૌકોઇની આંખો છલકાઇ ગઈ હતી.


'શહીદ જવાન અમર રહો અને ભારત માતાકી જય'ના નારા સાથે યોજાયેલી આ શહીદ જવાનની અંતિમયાત્રા મોટી ગીડાસણના સ્મશાનગૃહમાં પહોંચી હતી, જ્યાં દેશના જવાનો દ્વારા શહીદ જવાન જિજ્ઞેશ​​​​​​​ભાઈ ચૌધરીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી. જિજ્ઞેશ​​​​​​​ભાઈ ચૌધરીના પરિવારમાં શોક સાથે જવાનની હત્યા કરનાર હત્યારા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારના લોકોએ હત્યારા કોચ એટેન્ડન્ટ સહિત આ હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડી તેમને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે એવી માગ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application