ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પછી ટેકનિકલ એજ્યુકેશનમાં પ્રવેશ મેળવવા માટે જોઈન્ટ એડમિશન એક્ઝામ ( જેઈઈ) અને જોઈન્ટ એડમિશન એક્ઝામ મેઇન આપવાની હોય છે. રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આ પરીક્ષા વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ખૂબ મહત્વની ગણવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ગુજરાત સરકારના એક નાનકડા ગતકડાને કારણે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આ વખતે જેઇઇ અને જેઈઈ મેન્સ જેવી પરીક્ષા આપી ન શકે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થવા પામી છે. આ પરીક્ષા આપવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને આધાર કાર્ડ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવતી ધોરણ 10ની માર્કશીટમાં અટક એકમાં આગળ અને બીજામાં પાછળ હોવાના કારણે ફોર્મ સ્વીકારવામાં આવતા નથી. આ પરિસ્થિતિમાં હજારો વિદ્યાર્થીઓ અત્યારે આધાર કાર્ડમાં સુધારો કરાવવા અને બોર્ડની માર્કશીટ મુજબ આધારકાર્ડમાં અટક આગળ લાવવા માટે આધાર કાર્ડના કેન્દ્રોમાં અને ઓનલાઈન ભારે દોડધામ કરે છે. પરંતુ ત્યાં તેમનો ગજ વાગતો નથી. આધાર કાર્ડમાં સુધારો થતો ન હોવાથી વિદ્યાર્થીઓ પાસપોર્ટ કઢાવવા માટે મહેનત કરે છે પરંતુ તેમાં પણ સમય પસાર થાય તેમ હોવાથી વિદ્યાર્થીઓ માટે હવે શું કરવું? તેવો પ્રશ્ન ઊભો થયો છે. બીજી બાજુ વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે.
ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓની આ સમસ્યા બાબતે જાણ છે પરંતુ ગુજરાતમાં અત્યારે કેબિનેટ વિસ્તરણ અને સંગઠનના માળખાની રચના જેવી બાબતો ચાલી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી જેવો અત્યંત મહત્વનો આ પ્રશ્ન ઉકેલવા માટે ખાસ કોઈ પ્રયત્ન થતા હોવાનું સપાટી પર દેખાતું નથી.
એકાએક આવું કેમ થયું ? અને શું છે આ પ્રશ્ન?
એકાએક આવું કેમ થયું ? તેની વિગતના ઊંડાણમાં ઉતરીએ તો ગુજરાતમાં વિદ્યાર્થીઓને શાળા છોડવાના પ્રમાણપત્રમાં એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં અગાઉ અટક પહેલા લખવામાં આવતી હતી. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ તારીખ 16 જૂન 2025 ના રોજ અટક છેલ્લે લખવા માટે નિર્ણય લીધો હતો અને આ ઠરાવના આધારે તમામ શાળાઓને લિવિંગ સર્ટિફિકેટ માં અટક છેલ્લે લખવા માટે આદેશ કર્યો હતો. આ આદેશ મુજબ ધોરણ 10 ની આ વખતે લેવામાં આવેલી પરીક્ષા ની માર્કશીટમાં પણ વિદ્યાર્થીઓની અટક પહેલા દર્શાવવામાં આવી છે. જ્યારે આધાર કાર્ડમાં અટક છેલ્લે લખવામાં આવતી હોય છે.
અટક પહેલે અને છેલ્લે લખવાની આધાર કાર્ડ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અલગ અલગ સિસ્ટમના કારણે જોઈન્ટ એડમિશન એક્ઝામ (જેઈઈ)મા ફોર્મ સ્વીકારવામાં આવતા નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ આધારકાર્ડમાં સુધારો કરવા માટે જાય છે ત્યારે અન્ય ફોટો આઈડી તેમની પાસે હોતું નથી અને પાસપોર્ટ કઢાવવાની પળોજણ ઘણી લાંબી છે અને તેટલો સમય વિદ્યાર્થીઓ પાસે નથી.
આધાર કાર્ડમાં કેમ ફેરફાર થતા નથી?
વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ જ્યારે આધારકાર્ડમાં ફેરફાર કરવા માટે આધાર કાર્ડ કેન્દ્રમાં જાય છે અથવા તો ઓનલાઈન આ પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે જે વિદ્યાર્થીના આધાર કાર્ડ માં ફેરફાર કરવાનો છે તેનું બીજું કોઈ ફોટો આઈડી માંગવામાં આવે છે. જેઈઈની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષથી નીચેની હોવાથી તેમની પાસે પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા કોઈ ફોટો આઈડી હોતા નથી. ધોરણ 10 ની પરીક્ષાની ફોટાવાળી હોલ ટિકિટ હોય છે પરંતુ તે ફોટો આઈડીના પુરાવા તરીકે માન્ય ગણાતી નથી.