ઉપલેટાના મેલી મજેઠી ગામમાં કેરિયા ટીંબા હનુમાનજી મંદિરના મહંત કરૂણાદાસ નિર્મળદાસ વૈરાગીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આથી તેમના અનુયાયીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે મહંતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મહંત કરુણાદાસ નિર્મળદાસ વૈરાગી 'સત્ય સનાતન' નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપનો હેતુ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરનારા અથવા ધર્મને નુકસાન પહોંચાડનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. મહંત આશરે ત્રણ મહિના સુધી ગ્રુપમાં સક્રિય હતા અને સેવા કાર્યમાં યોગદાન આપતા હતા.
મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે સામેવાળા વ્યક્તિ દ્વારા વીડિયો યુ-ટ્યુબમાં પોતાના આઈડી પરથી અવારનવાર અપલોડ કરતો હતો. આ વીડિયો શેર કરતો હતો જે ભાબતે મને ગઇ તા 04/11/2025ના રોજ કરણભાઈએ મને ફોનથી જાણ કરેલ હતી. એટલું જ નહીં બેથી ત્રણ ફોન કરી પૈસાની માગણી કરતો અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો અને કહેતો કે જો તું મારા વિરૂધ્ધ ફરીયાદ કરીશ તો હું જેલમાથી છુટીને પાછો આવીને તને જોય લઈશ. તારે પૈસા તો આપવા જ પડશે જે બાબતના વીડિયો પોલીસને વીડિયો રેકોર્ડિંગ મોબાઇલ ફોનમાથી પેન ડ્રાઇવમા લઈ રજુ કરેલ હોવાનો જણાવ્યું છે.
સમયના અભાવે મહંત ગ્રુપમાંથી નીકળી ગયા હતા. આ પછી, દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના મેરામણભાઈ ખીમાભાઈ નંદાણીયાએ તેમને પૈસા આપવાનું બંધ કરવા અને ગ્રુપ છોડવાનો ખાર રાખીને હેરાન કરવાનું શરૂ કર્યું. ફરિયાદ મુજબ, મેરામણભાઈ નંદાણીયાએ મહંતને ફોન પર વારંવાર ગાળાગાળી કરી, બળજબરીથી પૈસા કઢાવવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ 'મેરામણ નંદાણીયા' પર મહંતને જાહેરમાં અપમાનિત કરતા વીડિયો પણ બનાવ્યા હોવાનું જણાવાયું છે.
આ મામલે પાટણવાવ પોલીસે મેરામણભાઈ ખીમાભાઈ નંદાણીયા વિરુદ્ધ બી.એન.એસ. કલમ 308(4), 351(2), 352 તથા આઈ.ટી. એક્ટ કલમ 67 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌહાણ આ મામલે વધુ પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે.