ભારત પર 50% ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પને પોતાના દેશમાં જ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના નિર્ણય સામે અમેરિકન સંસદમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ભારત પર 50% ટેરિફ હટાવવાની માંગ કરવામાં આવી છે.
ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ, કોંગ્રેસવુમન ડેબોરાહ રોસ અને કોંગ્રેસમેન માર્ક વેસીએ સંયુક્ત રીતે નીચલા ગૃહમાં આ ઠરાવ રજૂ કર્યો. આ ઠરાવમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવાની માંગ કરવામાં આવી છે, જેના હેઠળ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. યુએસ કાયદા ઘડનારાઓએ આને ગેરકાયદેસર અને યુએસ અર્થતંત્ર માટે ખતરનાક ગણાવ્યું છે.
યુએસ કાયદા ઘડનારાઓએ શું કહ્યું?
અગાઉ, બ્રાઝિલ પર લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફ બાદ યુએસ કોંગ્રેસમાં પણ આવો જ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ કટોકટી લાદી હતી, જેમાં ભારત પર હાલનો ૨૫ ટકા ટેરિફ વધારીને ૫૦ ટકા કરવામાં આવ્યો હતો. આ નિર્ણય ૨૭ ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો.રાજા કૃષ્ણમૂર્તિના મતે,ભારત પ્રત્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પની બેજવાબદાર ટેરિફ વ્યૂહરચના ખોટી છે અને બંને દેશો વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીને નુકસાન પહોંચાડે છે.
ઠરાવની જરૂર શા માટે પડી?
રાજા કૃષ્ણમૂર્તિએ વધુમાં કહ્યું, "અમેરિકન હિતોને પ્રોત્સાહન આપવાને બદલે, ટ્રમ્પનો નિર્ણય સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી રહ્યો છે. આ અમેરિકન કામદારોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને ગ્રાહકોને ઊંચા ભાવે માલ ખરીદવા માટે મજબૂર કરી રહ્યું છે. જો આ ટેરિફ દૂર કરવામાં આવે તો, અમેરિકા આર્થિક અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે તેની વાતચીત આગળ વધારી શકે છે.