BREAKING NEWS

ગાંધીનગર અક્ષરધામ મંદિર પર આંતકવાદી હુમલા કેસમાં ત્રણ આરોપીને બિનતોહમત છોડી દેવાયા

  • January 18, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશ્યલ પોટા કોર્ટે 17મી જાન્યુઆરીના રોજ ત્રણ આરોપીઓ અજમેરી અબ્દુલરશીદ સુલેમાન, મોહંમદ ફારૂક મોહંમદ હનીફ શેખ અને મોહંમદ યાસીન ઉર્ફે યાસીન ભટ ગુલામ મોહીઉદ્દીન ભટ્ટને પુરાવાના અભાવે ડિસ્ચાર્જ કરી દીધા હતા એટલે કે, આ કેસમાં આ ત્રણેયને બિનતહોમત તેઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. 



કોર્ટે અગાઉ છ આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા હતા


અક્ષરધામ મંદિર પર આતંકી હુમલાના ચકચારભર્યા કેસમાં પોટાની વિશેષ કોર્ટે અગાઉ પકડાયેલા પૈકી છ આરોપીઓને ગુનેગાર ઠરાવીને ત્રણ આરોપીને ફાંસી, એક આરોપીને જન્મટીપ, એક આરોપીને દસ વર્ષ અને એક આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને નિદીષ છોડી મુક્યા હતા. જેમાં અલ્તાફ હુસેન મલિક, આદમ સુલેમાન અજમેરી, સલીમ હનીફ શેખ, મુક્તી અબ્દુલ ક્યુમ, અબ્દુલામીયાં કાદરી, ચાંદમિયાં ઉર્ફે ચાંદખાન પઠાણનો સમાવેશ થતો હતો.



આ કેસમાં હાલના આરોપીઓ અજમેરી અબ્દુલ રશીદ સુલેમાન, મોહંમદ ફારૂક મોહંમદ હનીફ શેખ અને મોહંમદ યાસીન ઉર્ફે યાસીન ભટ ગુલામ મોહિઉદ્દીન ભટને પોલીસે તબક્કાવાર ધરપકડ કરીને પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.



ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરમાં 24-09-2002 ના રોજ સાંજના આશરે 4:30 વાગે, એકે-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ સહિતના હથિરાયો અને દારૂગોળા સાથે બે ઈસમો અક્ષરધામમાં ઘૂસી જઈ દર્શનાથીઓ તથા રાઈડ્સમાં બેસેલ બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને હેન્ડ ગ્રેનેડ ફેક્યા હતા. આ આતંકવાદી હુમલામાં એનએસજી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસએરપીના જવાનો સહિત કુલ 33 વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ હુમલામાં 23 પોલીસ જવાનો સહિત લગભગ 86 જેટલા વ્યક્તિઓ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News