વડિયા, બાબરા અને જસદણ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી પશુધનની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો જે તે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને પગલે અમરેલી ક્રાઇમ બ્રાન્ચે તપાસના આધારે એક આટકોટ અને બે વડિયાના શખ્સોને ઝડપી લઈ પશુઓની ચોરીમાં ઉપયોગમાં લેવાતી ઇકોકાર, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂ.3.20 લાખનો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા પશુઓની ચોરી કરી જસદણ ખાટકી વાડે વેંચી પૈસા મેળવી લેતા હોવાનું ખુલ્યું હતું.
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા એલસીબી ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવતા એલસીબી પીઆઈ વી.એમ.કોલાદરા ની રાહબરી હેઠળ એલસીબીની ટીમેં વડિયા વિસ્તારમાં થયેલી પશુધનની ચોરીમાં નંબર પ્લેટ વગરની ઇકોકાર સીસીટીવીમાં જોવા મળતા તેના કલર સહિતના આધારે બાતમીદારો મારફતેની ચોક્કસ હકીકતના આધારે તપાસ હાથ ધરી ચોરીમાં સામેલ અક્ષય જાનીભાઇ સાઢમીયા (રહે.આટકોટ), રણજીત કાંતીભાઇ વાઘેલા (રહે. નાના ઉજળા,તા.વડીયા), સુનીલ ગોપાલભાઇ વાઘેલા (રહે.સનાળી,તા.વડીયા)ને ઝડપી લઈ આગવી ઢબે પુછપરછ હાથ ધરતા શખસોએ સનાળા ગામે રાત્રીના એક મકાનમાં બેલાની દીવાલના બેલા નીચે ઉતારી ફરજામાંથી પાડીનીચોરી કરી ઇકોગાડીમા ભરી ચોરી કરી હતી.
તેમજ બાજુના એક ફરજામાંથી એક પાડો, ગોંડલ તાલુકાના મોટા સખપર ગામે વંડામાંથી સાંકળથી બાંધેલ બે પાડીને છોડાવી ચોરી કરી ઇકો ગાડીમા ભરીને જસદણ ખાટકીવાડમાં રહેતા મહમદ હુસેનભાઇ કટારીયાને વહેંચી દીધાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત બાબરાના લાલકા અને વાંકીયા ગામેથી બે પાડી, જસદણના ગોખલણા ગામે ખેતરમાંથી એક પાડી, વિછીંયાના દડલી ગામથી ગુંદાળા ગામ તરફ જતા રોડ પર ખેતરમાંથી એક પાડીની ચોરી કરી જસદણના ખાટકી વાડે વહેંચી હોવાની કબૂલાત આપતા પોલીસે પશુધનની ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇકોકાર, રોકડ 28000 અને બે મોબાઈલ મળી કુલ રૂ, 3,20,000નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની વધુ તપાસમાં રણજીત સામે તળાજા પોલીસ સ્ટેશનમાં ચોરીનો અને સુનીલ સામે ધારી પોલીસમાં ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું છે.