રાજ્યના રેવન્યુ વિભાગમાં બદલાયેલા નિયમોની અમલવારીને લઈ હાલ ભારે અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી માટે માત્ર ચાર દિવસમાં ત્રણ જુદા-જુદા પરિપત્રો બહાર પાડવામાં આવતા અધિકારીઓ અને ખેડૂત ખાતેદારો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. જોકે આજે આ ત્રણેય પરિપત્રો તાત્કાલિક રદ કરવાનો ઓર્ડર કરાયો છે.

પરિપત્રોનો વિરોધાભાસ: ખરીદનાર કે વેચનાર?
તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા શરૂઆતના બે પરિપત્રોમાં એવી સૂચના આપવામાં આવી હતી કે, જમીન ખરીદનાર વ્યક્તિ ખરેખર ખેડૂત છે કે નહીં તેની ચકાસણી માટે તેના છેલ્લા 25 વર્ષના રેવન્યુ રેકોર્ડ તપાસવા. જોકે, તાજેતરમાં બહાર પડાયેલા ત્રીજા પરિપત્રમાં હવે વેચનારની નોંધોની તપાસ કરવાની સૂચના અપાતા આશ્ચર્ય ફેલાયું છે. નિષ્ણાતોના મતે, વેચનારની ખરાઈ કરવાનો હવે કોઈ તર્ક રહેતો નથી, કારણ કે અગાઉના બે પરિપત્રોમાં સ્થિતિ સ્પષ્ટ હતી.
કઈ તારીખે કયો પરિપત્ર બહાર પડ્યો?
4 એપ્રિલ: દસ્તાવેજ કરાવી લેનાર (ખરીદનાર)ના ખેડૂત ખાતેદારના પુરાવા રૂપે ગામ નમૂના નં. 6ની તમામ નોંધના ઉતારા રજૂ કરવા.
6 એપ્રિલ: ખરીદનારના માતા-પિતાના નામે ચાલતી જમીનની 7-12ની નકલ, 6 નંબરની તમામ નોંધો અથવા નિયત નમૂનાનું સોગંદનામું રજૂ કરવું.
7 એપ્રિલ: માત્ર કબજેદારની કોલમની 25 વર્ષની તમામ નોંધો ધ્યાને લેવી.
જોકે આજે નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા આ ત્રણેય પરિપત્રોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા હોવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. આથી ખેડૂતોમાં પણ મુશ્કેલી વધી છે કે સરકાર આખરે કરવા શું માંગ છે?