વાંકાનેરના મહિકા ગામની સીમમાં આવેલી વાડીએ ત્રણ પિતરાઈ ભાઈઓએ સજોડે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, વાડીની બાજુમાં આવેલી રેતીની લીઝના સંચાલકો છેલ્લા કેટલાક દિવસોથી વાડીએ આવી આ જમીન અમારી લીઝમાં આવે છે અને ખાલી કરી દેજો તેમ ધાક ધમકીઓ આપી આજે મારવા દોડતા ત્રણેયએ ગભરાઈ દવા પી લીધી હોવાનું જણાવ્યું છે.
પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી
પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના મહિકા ગામે રહેતો યશ હરિભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦) તેના મોટા બાપુના બે દીકરા કલ્પેશ વિનોદભાઈ બાંભણિયા (ઉ.વ.૨૩) તથા વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦) ત્રણેય પિતરાઈ ભાઈઓ આજે મહિકા ગામે પોતાની વાડીએ હતાં ત્યારે પાકમાં છાંટવાની ઝેરી દવા પી જતાં સારવાર માટે પ્રથમ વાંકાનેર અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
બનાવ અંગે સ્વજનોએ જણાવ્યું હતું કે, અમે અમારી પાંચ દાયકાની પેઢી નદી કાંઠે આવેલી જમીન વાવીએ છીએ અને દર મહિને ગ્રામ પંચાયતને ફી પણ ભરીએ છીએ, વાડીની બાજુમાં રેતીની લીઝ ચાલતી હોય એ શખ્સો અવાર નવાર આવી આ જમીન અમારી લીઝમાં આવે છે અને તમે ખાલી કરી નાખજો તેમ આવી ધમકાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ લોકોનો ત્રાસ વધી ગયો હતો. આજે અમે વાડીએ કામ કરતા હતા ત્યારે ફરી આ શખસો વાડીએ પુત્ર વિશાલ ને ભત્રીજાઓ કલ્પેશ, યશ સાથે ડખ્ખો કરી મારવા દોડ્તા ભાગ્યા હતા. આથી પુત્ર અને ભત્રીજાઓએ બીકમાં પાકમાં છાંટવાની દવા પી લીધી હતી. આ જોતા અમે પણ દોડી આવતા ત્રાહિત શખસો ભાગી ગયા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.