ડાયમંડ સિટી સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી 'હેપી એલિગન્સ' બિલ્ડિંગમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ બિહારના અને છેલ્લા બે વર્ષથી સુરતમાં રહી શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાના પરિવાર સાથે ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બાલમુકુન્દ, તેમની પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે તેમની બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, બાલમુકુન્દ પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. ગત રાત્રિએ પરિવારે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. સવારે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે આસપાસના રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા વેસુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ત્રણ સભ્યોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી એક દીકરીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ પાનાંની સુસાઇડ નોટમાં આરોપીના નામનો ખુલાસો
પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ત્રણ પાનાંની સવિસ્તાર સુસાઇડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં આત્મહત્યા પાછળના ગંભીર કારણો અને ત્રાસ આપનાર શખસના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં વૈભવ રુંગટા નામના શખસ દ્વારા આપવામાં આવતા માનસિક અને આર્થિક ત્રાસનો પર્દાફાશ થયો છે.
શોષણની પરાકાષ્ઠા: ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ પડાવી લીધા
મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, આરોપી વૈભવ રુંગટા તેમને સતત પૈસા માટે હેરાન કરતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ બાલમુકુન્દની અંગત ગાડી અને તેમના ક્રેડિટ કાર્ડ પણ પડાવી લીધા હતા. આટલું જ નહીં, આરોપીએ તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બેફામ શોપિંગ પણ કરી હતી. સતત વધતા જતા દેવા અને વૈભવના માનસિક ત્રાસથી કંટાળીને આખરે પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ કાર્યવાહી
વેસુ પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી વૈભવ રુંગટા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ કમિશનરના આદેશ મુજબ વિવિધ ટીમો બનાવીને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વ્યાજખોરો અથવા આર્થિક લેતીદેતીમાં અપાતા માનસિક ત્રાસના પ્રશ્નોને સપાટી પર લાવી દીધા છે. એક હસતા-રમતા પરિવારના આ પ્રકારે અંતથી સમગ્ર સુરત શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.