સુરતના 7 મિત્રો શિરડી દર્શન કરવા માટે ફોર્ચ્યુનર કારમાં જતા હતા. દર્શન કરી પરત ફરતી વખતે મહારાષ્ટ્રમાં કાર પલ્ટી ત્રણ ગોથા ખાઈ ગઈ હતી. જેમાં ત્રણ મિત્રોના કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે ચારની હાલત ગંભીર છે. આ ઘટનાએ સુરત રહેતા પરિવારો હચમચી ગયા છે.
મળતી માહિતી મુજબ, સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓસવાલે કાબૂ ગુમાવતાં ફોર્ચ્યુનર પલટી હતી. જેમાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મૃત્યું થયું હતું. ચાર યુવકને ઈજા થતાં સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ મૃતકોમાં પ્રણવ દેસાઈ (લેબર કોન્ટ્રાક્ટર), મિત્ર પલક કાપડિયા અને વિક્રમ ઓસ્વાલના સ્ટાફના સભ્ય સુરેશ સાહુનો સમાવેશ થાય છે. આ કારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો વિપીન રાણા (કાર એજન્ટ) અને એક એકાઉન્ટન્ટ સહિત સ્ટાફના અન્ય સભ્યો પણ હતા.
ધંધાકીય સંબંધો ધરાવતા અને મિત્રોનું એક ગ્રુપ મંગળવારે રાત્રે શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા માટે સુરતથી નીકળ્યું હતું. જો કે દર્શન કરીને પરત ફરતી વખતે ફોર્ચ્યુનર નાસિકના એરંડગાંવ રાયતે શિવર વિસ્તારમાં પલટી જતાં બે યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર માટે જતી વખતે મોત થયું હતું. જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કાર પૂરપાટ ઝડપે હતી
આ દુર્ઘટનામાં કાર ચાલક વિક્રમ ઓસ્વાલને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે મુંબઈની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, અન્ય ઈજાગ્રસ્તોને પણ નાસિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાર પૂરપાટ ઝડપે હતી અને ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
સાંઈબાબાનાં દર્શન કરી સુરત પરત ફરી રહ્યાં હતા
સુરતના ભક્તો સાંઈબાબાનાં દર્શન કરી સુરત પરત ફરી રહ્યાં હતા, ત્યારે નાસિક નજીક એક ભયાનક અકસ્માત થયો. શિરડીથી પરત ફરી રહેલા ભક્તોને લઈ જતી કાર નાસિક જિલ્લાના યેવલા તાલુકાના એરંડ ગાંવ રાયતે શિવર વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સ્થાનિકોએ ખૂબ જ મુશ્કેલીથી તેમને બચાવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નાસિક ખસેડ્યા હતાં.

ટ્રાફિકજામ થયો
આ દરમિયાન ઘાયલોમાંથી એકનું નાસિક સારવાર માટે જતા રસ્તામાં મૃત્યુ થયું, જેના કારણે મૃત્યુઆંક ત્રણ થયો. ડોક્ટરોએ જણાવ્યું કે તેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તાની બાજુમાં ખેંચી લીધું. ટ્રાફિક પૂર્વવત્ કરવામાં આવ્યો અને ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.

પરિવારમાં આક્રંદ
સ્કૂલબસ કોન્ટ્રેક્ટના વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોના અકસ્માત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મિત્રો અને સંબંધીઓ આ સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યા છે. પોલીસે અકસ્માતની નોંધ લઇને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.