રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી ભેળસેળ પકડવાની ઝુંબેશ અંતર્ગત શહેરમાં સોસમાં કેમિકલ અને ચટણીમાં ઇન્ડસ્ટ્રીયલ કલરની ભેળસેળ મળી આવતા સોરઠિયાવાડી વિસ્તારની પેઢી સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાવડીની નમકીન પેઢીમાં ૯૦ કિલો વાસી ફરસાણ મળતા તેમજ નાના મવા મેઈન રોડને છેડે ભીમનગર ચોકમાં નાસ્તા હાઉસની દુકાનમાં ૨૦ કિલો અખાદ્ય જથ્થો મળતાં આ બન્ને પેઢી પણ સીલ કરાઇ હતી.
સમગ્ર શહેરમાં કુલ ૯૨ પેઢી-રેસ્ટોરન્ટની તપાસ કરી ૧૭૯ કિલો કુલ અખાદ્ય તથા વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ૩૩ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૫૧,૫૦૦નો દંડ વસુલ્યો હતો. આ ઉપરાંત ૧૫ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, સોરઠીયા વાડી-૧ ના છેડે લલુડી વોકળી, બાપા સીતારામ ચોક, રાજકોટ મુકામે આવેલ શ્રી ખોડીયાર ચટણીપેઢીને સીલ કરાઇ હતી અહીં ઉત્પાદન સ્થળે સિન્થેટિક ફૂડ કલર, નોન ફૂડ ગ્રેડ અને કેમિકલ્સનો સોસ બનાવવામાં ઉપયોગ કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું. પેઢીને રૂ.બે હજારનો દંડ તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં સ્થળ ઉપરથી ફ્રૂટ સ્ક્વોસ, ખજૂરની ચટણી અને લીલી ચટણી સહિતના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા,નારાયણ એસ્ટેટ, ગોપાલ હોટલ વાળી શેરી, રાજકોટ મુકામે આવેલ રજની નમકીન પેઢીને સીલ કરવામાં આવી હતી તેમજ પડતર, ફરસાણ કુલ મળીને અંદાજિત ૯૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને રૂ.પાંચ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારી હતી.
આ ઉપરાંત ભીમનગર ચોક, નાના મવા રોડના છેડે રાજકોટ મુકામે આવેલ મહાદેવ નાસ્તા હાઉસ પેઢીને સીલ કરવામાં આવી હતી ત્યાં આગળ સ્થળ ઉપર ૨૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.ત્રણ હજારનો દંડ ફટકારી હાઈજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.