ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે એક કંપનીમાં ધડાકાભેર બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત અને 24 કર્મચારીઓ ઘાયલ થયા છે. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો
મળતી માહિતી મુજબ સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા, આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે.
મૃત્યુઆંક વધવાની શક્યતા
ઘટનાની જાણ થતાં જ ચારથી પાંચ જેટલા ફાયર ફાઈટર સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. હાલ પણ કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
ત્રણ ટન જેટલું ટોલ્વીન હતું
આ દુર્ઘટનાને લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીમાં રાત્રિના ટોલ્વીનની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાત્રે બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ ટન જેટલું ટોલ્વીન હતું. અમે ઘટના બન્યા બાદ રાત્રિના જ ઘટનાસ્થળે પહોંચી હાલમાં તપાસ કરી રહ્યા છીએ.
સાયખા ગામના સરપંચે ગંભીર આક્ષેપો કર્યા
આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચે વહીવટી તંત્ર અને જીપીસીબી પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. સરપંચે જણાવ્યું હતું કે, આ જોખમી કંપની કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી, તેમ છતાં જીપીસીબી કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.
બે મહિના અગાઉ પણ નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આગ લાગી હતી
બે મહિના અગાઉ પણ સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આગ લાગી હતી. આગના કારણે કંપનીમાંથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કામદારોએ જીવ બચાવવા માટે કંપનીમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીઆઈડીસીના રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને કંપની સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.