ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મોડીરાત્રે કરૂણાંતિકા સર્જાઈ હતી. અહીં ખારવાવાડ વિસ્તારમાં 80 વર્ષ જૂનું અને જર્જરિત મકાન મોડીરાત્રે અચાનક ધરાશાયી થતા માતા-પુત્રીના મોત થયા હતા. તેમજ મકાન નીચે ઉભેલા બાઈકસવાર પણ મકાનના કાટમાળમાં દબાઈ જતા તેનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મોડીરાત્રે દોઢ વાગ્યે કરૂણાંતિકા સર્જાઈ
મળતી માહિતી મુજબ, વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મોડીરાત્રે દોઢ વાગ્યાની આસપાસ ત્રણ માળનું રહેણાંક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે.
મૃતકોની યાદી
આ દુર્ઘટનામાં દિનેશ પ્રેમજી જુંગી (ઉં.વ. 34), દેવકીબેન શંકરભાઈ સૂયાની અને જશોદાબેન શંકરભાઈ સૂયાનીનું મોત નીપજ્યું હતું. એક જ પરિવારના બે સભ્યોના મોતથી કાળો કલ્પાંત સર્જાયો હતો.
બે વ્યક્તિને બચાવી લેવાયા
આ દુર્ઘટનામાં શંકરભાઈ સૂયાની અને એક અન્ય મહિલાને જીવતા બચાવવામાં આવ્યા હતા. દેવકીબેન અને જશોદાબેન ખારવાવાડના રહેવાસી શંકરભાઈ સૂયાનીના પત્ની અને પુત્રી હતા.

ગરબાનો માહોલ હોવાથી લોકોની અવરજવર ચાલુ હતી
મકાન ધરાશાયી થયું ત્યારે ગરબાનો માહોલ હોવાથી શેરીઓમાં લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એક બાઈકસવાર વ્યક્તિ જે મકાન નીચે ઉભો હતો, તેનું પણ કાટમાળ હેઠળ દબાઈ જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કાટમાળમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
ઘટના બાદ તુરંત જ ફાયરબ્રિગેડ, પોલીસ, નગરપાલિકા અને ખારવા સમાજના આગેવાનો તથા યુવાનોની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. રાત્રે શરૂ થયેલ આ કામગીરી વહેલી સવારે 4:30 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં કાટમાળમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બે વ્યક્તિને જીવતા બચાવી લેવાયા હતા.

મકાન 80 વર્ષ જૂનું હતું
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ મકાન અંદાજે 80 વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફાયર વિભાગ, નગરપાલિકા અને સ્થાનિક સમાજના યુવાનોના સહયોગથી ચાર કલાકની સતત કામગીરી બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.