રાજકોટ શહેરમાં આજે ગંભીર રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. માલધારી ફાટકથી વિરાણી ફાટક વચ્ચે વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા ત્રણ યુવાન ફંગોળાઈને રેલવે ટ્રેકથી દૂર ફેંકાઈ ગયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે બેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન વધુ એકનું મોત થતા મૃત્યઆંક બે થયો છે. જ્યારે એકની હાલત ગંબીર છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી અને થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. સેલ્ફી લેવાના ચક્કરમાં વંદે ભારત ટ્રેન આવી ગઈ તેનું ભાન પણ ન રહ્યું અને ત્રણેય અડફેટે આવ્યા હતા. ત્રણેય યુવાનો પરપ્રાંતીય અને કારખાનામાં મજૂરી કામ કરતા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકોમાં સંદીપભાઈ (ઉં.વ.23) તરીકે એકની ઓળખ થઈ છે જ્યારે બીજા મૃતકની ઓળખ થઈ નથી. જ્યારે ઘાયલ યુવાનની ઓળખ કપિલ પટેલ (ઉ.વ.19) તરીકે થઈ છે.

ટ્રેન આવી પહોંચતાં બચવાનો સમય ન મળ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, વંદે ભારત ટ્રેન ઝડપી ગતિએ પસાર થઈ રહી હતી, તે દરમિયાન ત્રણ યુવાન અજાણ્યા કારણોસર રેલવે ટ્રેક નજીક હાજર હતા. અચાનક ટ્રેન આવી પહોંચતાં તેઓને બચવાનો સમય મળ્યો નહોતો અને ત્રણેય યુવાન ટ્રેનની જોરદાર અડફેટે આવ્યા હતા. ટ્રેનની ટક્કરથી ત્રણેય હવામાં ફંગોળાઈને ટ્રેકની બહાર પડ્યા હતા.
બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રેલવે પોલીસ તેમજ ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસ અને તબીબી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બેના મોત નીપજ્યા હતા અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓને તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
રેલવે ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો
ઘટનાને પગલે થોડીવાર માટે રેલવે ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો. જોકે રેલવે અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો અને ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ભારે ભીડ એકત્ર થવાને કારણે પોલીસને લોકોને દૂર કરવા માટે પણ મહેનત કરવી પડી હતી.
ત્રણેય લોકોની ઓળખ મેળવવા તજવીજ
રેલવે પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણેય લોકોની ઓળખ કરવાની તેમજ તેઓ ટ્રેક નજીક કેમ હાજર હતા તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. રેલવે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે રેલવે ટ્રેક નજીક બિનજરૂરી રીતે ન જવું અને ટ્રેનની અવરજવર દરમિયાન ખાસ સાવચેતી રાખવી, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.