BREAKING NEWS

ગુજરાતમાં ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના

  • July 20, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હાલમાં એકસાથે ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. જેના ભાગરૂપે આજે સવારે ૬:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં જ રાજ્યના ૯૩ જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ૩.૫ ઇંચ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે ભારે વરસાદની શક્યતાને પગલે નવસારી અને વલસાડ જિલ્લા માટે ‘ઓરેન્જ અલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી ૪ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.


વરસાદની ઘટ વચ્ચે ખેડૂતોમાં આશાનું કિરણ

રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની ચાલુ સીઝનમાં સરેરાશ ૩૩% જેટલી વરસાદની મોટી ઘટ પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં મેઘરાજાનો આ નવો રાઉન્ડ શરૂ થતાં મહીસાગર સહિતના વિવિધ પંથકોના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આશાનું કિરણ જાગ્યું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં ખરાબ હવામાન અને દમણ એરપોર્ટ પર આધુનિક 'ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ' (ILS) ઉપલબ્ધ ન હોવાને કારણે દિલ્હી-દમણ રૂટની 'એલાયન્સ એર'ની ફ્લાઇટ દમણ ખાતે લેન્ડ થઈ શકી નહોતી. જેથી આ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી દિલ્હી પરત મોકલવાની ફરજ પડી હતી.


ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ સર્જાયો

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સમુદ્રની સપાટીથી ૩.૧ થી ૪.૫ કિમીની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત, એક મોનસૂન ટ્રફ રાજસ્થાનના ગંગાનગરથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલું છે. સાથોસાથ બંગાળની ખાડીમાં પણ એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર પામ્યું છે, જ્યાંથી નીકળતો એક ટ્રફ દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ ગુજરાત થઈને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં વિસ્તરેલો છે.

આ ત્રણેય વિવિધ હવામાન સિસ્ટમના સંયુક્ત પ્રભાવ અને મજબૂત ભેજના કારણે આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application