ગુજરાતમાં શિયાળાની ઋતુ હવે વિદાય લઈ રહી હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સવાર-સાંજની ઠંડક ઓછી થઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે.
હાલમાં રાજ્ય ઉપર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ. આ ત્રણેય સિસ્ટમની સંયુક્ત અસરના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 ફેબ્રુઆરી, 2026ના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સાબરકાંઠા જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે.
દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૂર્યપ્રકાશ ઓછો જોવા મળી શકે છે. જોકે, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ સિસ્ટમોના પ્રભાવથી ઠંડીમાં ખાસ વધારો થવાની સંભાવના નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. પરંતુ 20 અને 21 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. જેના કારણે રાજ્યમાં ઉનાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગી શકે છે.
ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા પવનોની ગતિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને સરહદી અને પર્વતીય વિસ્તારોને અડીને આવેલા જિલ્લાઓમાં પવનની તીવ્રતા વધુ રહેવાની ધારણા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડકનો હળવો અનુભવ થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ અને પવનના વધતા જોરને કારણે દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. હાલ રવિ પાક ઉભો હોવાથી અચાનક પડતા માવઠાથી નુકસાન થવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પાકને સુરક્ષિત રાખવા જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.
હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે, પરંતુ આજ અને આવતીકાલ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને હવામાન અંગેની સત્તાવાર માહિતી પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.