ધોમધખતા તાપમા રવિવારે સૌરાષ્ટ્રમાં અનેક શહેરોના વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો હતો અને જામનગર શહેરમાં તથા સાવરકુંડલા તાલુકામાં અનેક જગ્યાએ માવઠું થયાના અહેવાલો મળી રહ્યા છે.
પ્રતિ કલાકના 25થી 30 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાયા પછી જામનગરમાં અમુક વિસ્તારોમાં માવઠું થયું હતું. જ્યારે સાવરકુંડલા તાલુકાના બાઢડા, મોટા ઝીંઝુડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છાંટા પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છમાં પ્રતિ કલાકના 30થી 40 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
આવતીકાલથી બે દિવસ માટે સિસ્ટમ નબળી પડશે અને મોટાભાગના વિસ્તારો કોરાકટ રહેશે. પરંતુ તારીખ 2 એપ્રિલ પછી માવઠાનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે. નોર્થ વેસ્ટના મોટાભાગના રાજ્યોને પ્રભાવિત કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 2 ના ઉદભવશે અને તેના કારણે માવઠાની શક્યતા ઊભી થશે. અધૂરામાં પૂરું અત્યારે રાજસ્થાનના નોર્થ વેસ્ટ ભાગમાં એક પ્રભાવશાળી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તે દરિયાની સપાટીથી માત્ર 1.5 કીલોમીટરની ઊંચાઈ પર છે. વાદળિયા વાતાવરણ અને ભેજના પ્રમાણમાં વધારાના કારણે મહત્તમ તાપમાનમાં રાજકોટ અમરેલી અને અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં 36 ડિગ્રીથી નીચે મહત્તમ તાપમાન રહ્યું છે. અમરેલીમાં 36.7 રાજકોટમાં 36 અને અમદાવાદમાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું.
આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હતું અને તેના કારણે હળવી ઝાકળ પણ જોવા મળી હતી. કંડલામાં 80 નલિયામાં 81 ઓખામાં 87 પોરબંદરમાં 83 વેરાવળમાં 84 દમણમાં 82 અને રાજકોટમાં 78% ભેજ આજે સવારે રહ્યો હતો.