અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025ના ચર્ચિત 'નોરતા નગરી' ગરબા મહોત્સવના આયોજન દરમિયાન ભાગીદારો વચ્ચે કરોડો રૂપિયાની ટિકિટ ગેરરીતિ અને વિશ્વાસઘાતની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. સ્પોન્સર્સ અને ખાસ આમંત્રિતો માટે અનામત રાખવામાં આવેલી કમ્પ્લિમેન્ટરી ગરબા ટિકિટોને ગેરકાયદેસર રીતે પેઇડ ટિકિટોમાં રૂપાંતરિત કરી ઓનલાઇન તથા ઓફલાઇન માધ્યમોથી વેચી મારવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કૌભાંડના કારણે આયોજનના મુખ્ય ભાગીદારોને આશરે 8 થી 10 કરોડ રૂપિયાનું અધધ નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા 36 વર્ષીય અર્જુન ભૂતિયા દ્વારા સરખેજ પોલીસ મથકે નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે પાશ્વ જ્વેલર્સના દર્શન શાહ, તેમના મેનેજર જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈ સામે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ અનુસાર, અર્જુન ભૂતિયાએ જીગર ચૌહાણ, કૃષ્ણ ગઢવી અને દર્શન શાહ સાથે મળીને 'એએઆઈ ઇવેન્ટ્સ' (AAI Events)ના નામે નોટરાઇઝ્ડ ભાગીદારી કરાર કરીને 'નોરતા નગરી' ગરબાનું આયોજન કર્યું હતું. દર્શન શાહની ભલામણથી જ તેમના મેનેજર જયેશ પરમારને પણ આ ભાગીદારીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આયોજનની શરતો મુજબ, 'ઝોમેટો' એપના 'ડિસ્ટ્રિક્ટ' પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટોનું અધિકૃત વેચાણ નક્કી કરાયું હતું. આ ઉપરાંત, દરરોજ આશરે 4,000 જેટલી ટિકિટો સ્પોન્સર્સ અને ઓળખીતાઓ માટે કમ્પ્લિમેન્ટરી તરીકે આપવાનું નક્કી થયું હતું, જેમાં તમામ ભાગીદારોની લેખિત કે મૌખિક સંમતિ વિના વધારાની ટિકિટ ન આપવાનો સ્પષ્ટ નિયમ હતો. જોકે, ગરબા મહોત્સવ દરમિયાન ગ્રાઉન્ડ પર બે અજાણ્યા શખસો ગેરકાયદે રીતે ટિકિટો વેચતા પકડાયા હતા. તેમની પૂછપરછમાં 'ટિકિટ ટાવર' કંપનીના ઉમંગનું નામ ખુલ્યું હતું અને ઉમંગે ખુલાસો કર્યો હતો કે આ ટિકિટો તેને દર્શન શાહે આપી હતી. તે સમયે કાર્યક્રમ વિસંગત ન થાય તે માટે ભાગીદારોએ કોઈ ઉતાવળિયું પગલું ભર્યું નહોતું.
ગરબા મહોત્સવ પૂર્ણ થયા બાદ ભાગીદારોએ જ્યારે 'ડિસ્ટ્રિક્ટ' પ્લેટફોર્મ પાસેથી સમગ્ર ટિકિટિંગ ડેટા મેળવ્યો ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઝોમેટો પાસે સ્પષ્ટતા માગવામાં આવતા જાણવા મળ્યું કે કમ્પ્લિમેન્ટરી ટિકિટો દર્શન શાહના કન્સલ્ટન્ટ મારફતે તેમના ભત્રીજા રવિ શાહને મોકલવામાં આવતી હતી અને તેને ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકીને બારોબાર વેચી દેવાતી હતી. જ્યારે અન્ય ભાગીદારોએ દર્શન શાહ પાસે આ અંગે ખુલાસો માગ્યો ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આ ચારેય આરોપીઓએ અન્ય ભાગીદારોને અંધારામાં રાખીને કરોડો રૂપિયા પોતાની પાસે રાખી છેતરપિંડી આચરી હતી.
સમગ્ર મામલો સામે આવ્યા બાદ સરખેજ પોલીસે ભાગીદારી કરાર, ટિકિટિંગના દસ્તાવેજી રેકોર્ડ્સ, સંબંધિત બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ તેમજ ઝોમેટો પ્લેટફોર્મના ટ્રાન્ઝેક્શન ડેટા એકત્રિત કરીને આરોપીઓની ભૂમિકાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. નાણાકીય ગેરરીતિની ચોક્કસ રકમ નક્કી કરવા અને આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.