રાજકોટ મહાપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોની લાંબી લાઇન વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે, દરમિયાન રવિવારે રાત્રે ગાંધીનગર ખાતે મળેલી સંકલન મિટિંગમાં પણ સર્વસંમતિના અભાવે કંઇ ફાઇનલ નહીં થયાનું જાણવા મળે છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણી લડવા ઉત્સુક વોર્ડ નં.૧થી ૧૮ના કુલ ૧૦૧૮ દાવેદારની વિગતો લઇને શહેરની સ્થાનિક નેતાગીરીની ટીમ ગઇકાલે ગાંધીનગર પહોંચી હતી, જ્યાં આગળ નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી રાત્રે ૧૦ કલાકે સંકલન મિટિંગ મળી હતી જે રાત્રે ૩:૧૫ કલાકે પૂર્ણ થઇ હતી.પાંચ કલાક સુધી ચાલેલી મેરેથોન મિટિંગના અંતે સર્વસંતિના અભાવે વોર્ડવાઇઝ ૧૨ નામોને અગ્રતા ક્રમ આપી ત્રણ સંભવિત પેનલની પણ બનાવી શકાઇ નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પક્ષના મવડી મંડળે હવે રાજકોટ માટે નિર્ણય કરવા બે દિવસ પછી ફરી આવવાનું કહીને મિટિંગ પૂર્ણ કરી હતી. આથી હવે રાજકોટનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે આગામી તા.૮ કે ૯ એપ્રિલે રાજકોટની ટીમ ફરી ગાંધીનગર જશે.
પક્ષના ક્રાઇટેરિયા અને અનામતના નવા રોસ્ટર વચ્ચે પેનલના ચોકઠાં બેસાડવામાં અસમંજસ જેવી સ્થિતિ સર્જાઇ છે, એક પણ વોર્ડમાં ચારેય નામો વચ્ચે હજુ સુધી સર્વસંમતિ સધાઇ શકી નથી. બીજી બાજું દાવેદારો બેફામ લોબિંગ કરી રહ્યા હોય અભૂતપૂર્વ સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં ખેંચતાણ અને લોબિંગના કારણે નો રિપિટ થિયરી લાગુ થવાની પ્રબળ શક્યતા નિર્માણ થઇ છે. અંદાજે પચીસેક સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ કપાવાનું નિશ્ચિત બની ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.