જામજોધપુરમાં ગઇકાલે એક વૃઘ્ધે એકલવાયા જીવનથી કંટાળીને ટ્રેન હેઠળ પડતુ મુકતા મૃત્યુ થયુ હતું, જયારે નાના લખીયા ગામની સીમમાં એક યુવાને પિતાના ઠપકાથી લાગી આવતા ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધુ હતું.
ભાણવડના વાનાવડ ગામમાં રહેતા રમેશભાઇ મંગાભાઇ વેગડા (ઉ.વ.૫૦) નામના વૃઘ્ધ આશરે દસેક વર્ષથી તેમના પત્ની અને બાળકોથી અલગ રહેતા એકલવાયુ જીવન ગુજારતા હોય દરમ્યાન એકલવાયા જીવનથી કંટાળીને ગઇકાલે જામજોધપુર વિસ્તારમાં રેલ્વે પાટા પર જઇ પડતુ મુકી કપાઇ જતા મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મંગા પબાભાઇ વેગડાએ જામજોધપુર પોલીસમાં જાણ કરી હતી.
બીજા બનાવમાં મુળ એમપીના હાલ લાલપુરના નાના લખીયા ગામ વાડી વિસ્તારમાં રહેતા ખેતમજુરી કરતા રાહુલ જુવાનસીંગ મેળા (ઉ.વ.૧૯) નામના યુવાનને ગઇકાલે જમવા બાબતે બોલાવતા તે આવેલ નહી આથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો, આ બાબતનું રાહુલને મનમાં લાગી આવતા ઝાડની ડાળીમાં હીરની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે જુવાનસીંગ ભલસીંગ મેળા દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.